ગુજરાતમાં તા.પ મી જુલાઈના રોજ રાજ્યસભાની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીને લઈ કોંગ્રેસ તેના તમામ ૭૧ ધારાસભ્યોને વ્હીપ આપશે. આ સંજોગોમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જો વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપે તો છ વર્ષ માટે તે ગેરલાયક ઠરશે. તેથી અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તા.૫ જુલાઈ સુધીમાં ભાજપમાં જોડાય તેવી શકયતા સેવાઇ રહી છે અને આ અંગેની અટકળો ફરી એકવાર તેજ બની છે. તો, આ બંને ધારાસભ્યોની ખાલી પડનારી બંને બેઠકોની પેટાચૂંટણી અન્ય ૬ પેટાચૂંટણી સાથે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાય તેવી ગણતરી સાથે પણ ભાજપ તેની રાજકીય વ્યૂહરચના અમલી બનાવવામાં જોતરાયું છે.
ભાજપ સ્થાનિક સ્વરાજની હાલની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વિધાનસભાની પેટાચૂંટણી પણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાવવા રણનીતિ ઘડી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાય તેવી શક્યતાઓ છે, ત્યારે આ પેટાચૂંટણીની સાથે રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી પણ થાય તે દિશામાં ભાજપ પ્રયાસો કરી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. જ્યારે મોરવા હડફ બેઠક પરથી ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ થતા આ બેઠક પણ ખાલી પડી છે. આ સિવાય હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી પણ રદ કરી છે. આમ રાજ્યમાં કુલ આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-૯૯, કોંગ્રેસ-૭૭, એનસીપી-૧, બીટીપી-૨ અને અપક્ષને ૩ બેઠકો મળી હતી. ત્યારબાદ જુલાઈ-૨૦૧૮માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર-૨૦૧૮માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ગત ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા લોકસભાની સાથે ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. હવે ઓક્ટોબર-નવેમ્બરમાં પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રૂપાણી શાસનમાં કુલ ત્રણ વાર પેટાચૂંટણી થશે અને આ વખતે આઠ બેઠકોની પેટા ચૂંટણીનો માહોલ સામે આવ્યો છે.


















