ગોંડલમાં દોઢ કલાકમાં આઠ ઇંચ વરસાદ

501

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ થયો હતો. પંચમહાલમાં ભારે વરસાદી માહોલ રહ્યો હતો. ઉત્તર કોંકણ અને દક્ષિણી ગુજરાત પ્રદેશ ઉપર મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ પડતા જનજીવન ઉપર પણ અસર થઇ હતી. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર પંથકમાં આજે પણ જોરદાર મેઘમહેર ચાલુ રહી હતી. ખાસ કરીને ગોંડલના દેરડી કુંભાજી સહિતના પંથકોમાં જાણે આભ ફાટયુ હોય એમ માત્ર દોઢ કલાકમાં આઠ ઇંચ મેઘો ખાબકતાં આ પંથકોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને ગોંડલ તાલુકાના મોટાભાગના પંથકોમાં એક ઇંચથી માંડી આઠ ઇંચ જેટલો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના વિસ્તારોમાં દોઢ કલાકમાં સાતથી આઠ ઇંચ અતિ ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોના ખેતરો અને પાકના ધોવાણ થાં ભારે નુકસાન સામે આવ્યું હતું. અતિ ભારે વરસાદના કારણે સ્થાનિક ખેડૂતોના તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ગોંડલ પંથકના આ વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ પડ્‌યો હતો. જેના કારણે ત્રણ વર્ષ પહેલા આવેલા પૂર હોનારતની યાદો સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ફરી તાજી થઇ હતી. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, ભાવનગર, મેટોડા, મોરબી, રાજુલા, સુરેન્દ્રનગર, કુકાવાવ સહિતના કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલામાં ગાજવીજ સાથે દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુત્રાપાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગર, મહુવા, સિહોર, પડધરી સહિતના પંથકોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહ્યા હતા. જસદણમાં પણ ધીમી ધારે વરસાદ પડ્‌યો હતો.

રાજુલામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. સૌરાષ્ટ્રમાં મોટાભાગના પંથકોમાં સરેરાશ આજે એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. રાજકોટના મેટોડા ઔદ્યોગિક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટનાં ભાદર ડેમમાં ૦.૪૯ ફૂટ, આજી -૨માં ૦.૮૨ ફૂટ અને ન્યારી ડેમ- ૧.૫૭ ફૂટની આવક થઈ છે. જ્યારે મોરબીના વાડીસંગમાં ૨.૬૯ ફૂટની આવક થઈ છે. દેવભૂમિ દ્વારકાના ભોગવો-૨ ડેમમાં ૦.૫૦ ફૂટ અને સબુરીમાં ૧૩.૧૨ ફૂટ પાણીની આવક થઈ છે. ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઘાણો નદીમાં પુર આવ્યું હતું. રાજુલાના ડુંગરમાં ૨ ઈંચ, દીપડ્‌યા, વાવેરા, ચારોડયા સહિતના પંથકોમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. ભારેથી અતિભારે વરસાદને લઇ સૌરાષ્ટ્રના પંથકના નદી-નાળા, ડેમોમાં નવા નીરની આવક થતાં તંત્રએ પણ રાહત અનુભવી હતી. જો કે, ગોંડલ સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદને લઇ સ્થાનિક ખેડૂતોના ખેતરો અને પાક ધોવાઇ જતાં ભારે તેઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Previous articleરાષ્ટ્રદ્રોહના મામલામાં પાસના બાંભણિયાની કરાયેલ ધરપકડ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે