નદીના પૂરમાં બળદગાડા સાથે તણાયેલી મહિલાની લાશે ત્રીજા દિવસે મળી

1248

સાવરકુંડલા પંથકમાં પાછલા ત્રણેક દિવસથી મેઘમહેર થઇ રહી છે. ત્યારે ત્રણેક દિવસ પહેલા વાંશીયાળી ગામે એક ખેડૂત દંપતી વાડીએથી પરત ઘરે ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામા અચાનક પૂર આવી જતા બળદગાડુ તણાયું હતું. જેમાં એક મહિલા તણાઇ ગઇ હતી. ત્રણ દિવસની શોધખોળ બાદ ગઇકાલે ગુરૂવારે આ મહિલાની લાશ મળી આવી હતી.

સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામે ભારે વરસાદને પગલે વાડી ખેતરોમા પૂર આવ્યું હતું. અહીં રહેતા ભાવેશભાઇ ઠુંમર અને તેમના પત્ની શોભનાબેન વાડીએથી બળદગાડુ જોડી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે રસ્તામાં નહેરામાં પૂર આવતા ગાડુ તણાઇ ગયું હતું. જેમાં શોભનાબેન પૂરના પ્રવાહમાં તણાઇ ગયા હતા. તેમને શોધવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે આજે ત્રીજા દિવસે ગામથી છએક કિમી દૂર આકોડા ગેડ વિસ્તારમાંથી આ મહિલાની લાશ મળી આવી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે વંડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મામલતદાર સહિત પોલીસ સ્ટાફ પણ અહીં દોડી ગયો હતો. બનાવને પગલે નાના એવા ગામમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.

Previous articleપૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે પેન્શનની, વોલ્વોમાં ફ્રી મુસાફરીની માંગણી કરી
Next articleએમએસ યુનિ.માં ફી વધારાનો વિરોધ, NSUIએ ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો