વસ્ત્રાપુરમાં PGની યુવતીઓ વચ્ચે મારામારીનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો

692

નવરંગપુરા બાદ વસ્ત્રાપુરમાં આવેલી પી.જી.હોસ્ટેલ વિવાદમાં આવી છે. જેમાં રૃમ પાર્ટનર યુવતીઓ વચ્ચે સામાન્ય બાબતે હિંસક અથડામણ થઈ હતી. આ મારામારીમાં યુવતીના ચશ્મા તોડી નાંખીને મારઝુડ કરવામાં આવી હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પણ ઉગ્ર બોલાચાલી થતા યુવતીએ ધમકી આપી હતી કે હવે પછી દાદાગીરી કરીશ તો મારા મિત્રો દ્વારા હાથપગ તોડાવી નાંખીશ. જોકે વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય ન બગડે તે માટે પોલીસે દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડયો હતો.

તાજેતરમાં જ નવરંગપુરાના પી.જી.માં યુવતીની છેડતીનો બનાવ બન્યો હતો અને ઘટનાનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો હતો. આ બનાવ બાદ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક પી.જી.માં રહેતી વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક જ રૃમમાં રહેતી યુવતીઓ વચ્ચે કોસ્મેટિક્સનો સામાન વાપરવા બાબતે ઝઘડો થયો હતો. જેને પગલે એક યુવતીએ રૃમ બદલી નાંખ્યો હતો. જોકે તેની કોઈ વસ્તુ રૃમમાં રહી જતા તે વસ્તુ લેવા રૃમમાં પહોંચી હતા. જોકે અહીં રહેતી યુવતી સાથે તેને જોરદાર બોલાચાલી થઈ હતી બિભત્સ ગાળો સાથે બન્ને વચ્ચે મારામારી થઈ ગઈ હતી. જેમાં એક યુવતીના ચશ્મા તુટી ગયા હતા.

મામલો ગંભીર બનતા બન્ને યુવતીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં પમ બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. એક યુવતીએ તો તેના મિત્રો મારફતે સામેની યુવતીના હાથપગ તોડાવી નંખાવવાની ધમકી પણ આપી હતી. જોકે પોલીસે બન્ને યુવતીઓની વાત સાંભળી હતી. બાદમાં જેના ચશ્મા તુટી ગયા હતા તે યુવતીએ ચશ્માના પૈસાની માંગણી કરી હતી. જોકે સામેની યુવતીએ પૈસા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે પોલીસે બન્ને વિદ્યાર્થીનીઓને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે સમાધાન કરી લેવા જણાવ્યું હતું. બાદમાં યુવતી પૈસા આપવા રાજી થતા મામલો થાળે પડયો હતો.

Previous articleખેડૂત રેલી માટે શહેર તરફ આવતા કોંગ્રેસી નેતા-કાર્યકરોને અટકાવાયા
Next article ત્રિમંદીર પાસે ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત