ગુજરાતના ૧૨૯ તાલુકાઓમાં વરસાદ

657

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે. ગુજરાતમાં ૧૨૯થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. ડાકોર, વલસાડ, સુરત, મહુવા, વાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. પચંમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ હાલ જારી રહી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજયના ૩૨ તાલુકાઓમાં કયાંક ધોધમાર તો કયાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ૪૦ મીમી એટલે કે પોણા બે ઇંચ અને દાહોદ જિલ્લાના ગરબાડામાં બે કલાકના સમયગાળા દરમિયાન ૩૫ મી.મી. એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે વલસાડ, ધરમપુર, દાહોદ અને ગણદેવી તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજયનાં ૧૨૯ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, નવસારી અને પંચમહાલ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખઃ ૦૬/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૨૨૦ મી.મી. એટલે કે ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જ્યારે જાંબુઘોડામાં પાંચ ઇંચ (૧૫૪ મી.મી) અને ચિખલી તાલુકામાં ૧૩૭ મી.મી એટલે કે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યનાં ૨૫ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આમ, રાજયના કુલ ૧૨૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ગણદેવી, બોડેલી, અને વાંસદામાં ચાર ઇંચથી વધુ, મહુવા(સુરત), વઘઇ, વ્યારા, સુરત શહેરા, દોલવાણ, ચુડા, છોટાઉદેપુર, સિંગવાડ, લીમખેડા, ઉચ્છલ અને વાપી મળી કુલ ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે કામરેજ, મોરવા હડફ, દાહોદ, માંગરોળ, સુબીર, બારડોલી, વાલોદ, માંડવી(સુરત), જલાલપોર, નવસારી અને આહવા મળી કુલ ૧૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે ગોધરા, ઝાલોદ, ખેરગામ, માલપુર, ઘોઘંબા, બાલાસિનોર, ફતેપુરા, નિઝર, સોનગઢ, કુકરમુંડા, કડાણા, વાલીયા, સાગબારા, ક્વાંટ, ગરબાડા, સંજેલી, સંતરામપુર, ઓલપાડ, મેઘરજ, લીમડી, વાઘોડિયા, ખંભાત, ગળતેશ્વર, વાગરા, આમોદ, જેતપુર પાવી, હાલોલ, ધાનપુર, મહુવા(ભાવનગર), નેત્રાંગ, નાંદોદ, ચોર્યાસી, વલસાડ, સંખેડા અને લુણાવાડા મળીને કુલ ૩૫ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને બે ઈંચથી ઓછો વરસાદ તેમજ અન્ય ૨૨ તાલુકાઓમાં અડધા ઈંચથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે ૪૩ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Previous articleશાસ્ત્રીની ભવ્ય ૧૮ ફુટ ઉંચી પ્રતિમાનુ કરાયેલુ અનાવરણ
Next articleજૂનાગઢ મનપા ચૂંટણી પૂર્વે કોંગીનો ગજગ્રાહ સપાટીએ