ઘાટલોડિયામાં ફાયનાન્સ બેન્કમાં ગોળીબાર કરી લુંટનો પ્રયાસ કરતાં ચકચાર

492

ઘાટલોડીયામાં આવેલી ઈન્ડીયા ઈન્ફોલાઈન ફાયનાન્સ લિમીટેડ બેન્કમાં પિસ્ટલ સાથે ઘુસી ગયેલા શખ્સે ગોળીબાર કરીને લુંટનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે બેન્કના કર્મચારીઓએ સામનો કરીને આરોપીને દબોચી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. આરોપી અવારનવાર બેન્કમાં લોન લેવા આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ બનાવની વિગત મુજબ ઘાટલોડીયામાં કે.કે.નગરમાં સમર્પણ ટાવર ખાતે ઈન્ડીયા ઈન્ફોલાઈન ફાયનાન્સ લિમીટેડ નામની ગોલ્ડ પર લોન આપતી બેન્ક આવેલી છે. આ બેન્કમાં કુલ સાત જણાનો સ્ટાફ નોકરી કરે છે. ૬ જુલાઈના રોજ ઓડિટ હોવાથી પ્રહલાદનગર હેડ ઓફિસેથી ઓડિટ ઓફિસર હરેશભાઈ એ.ગુપ્તા આવ્યા હતા અને કેસ કાઉન્ટર પર સ્ટાફ સાથે વાતચીત કરતા હતા. દરમિયાન બપોરે પોણા બે વાગ્યે બ્રાંચ મેનેજર આશિષભાઈ સી.રાજપરા વોશરૃમ ગયા બાદ પાણીનો ગ્લાસ ભરીને બહાર આવ્યા ત્યારે કાઉન્ટરની લાઈનમાં હેલ્મેટ પહેરેલો અને મોઢા પર રૃમાલ બાંધેલા શખ્સે તેમની સામે પિસ્ટલ તાંકીને બન્ને હાથ ઉપર કરવા કહ્યું હતું. બાદમાં તેણે કાઉન્ટર પર બેઠેલ કેશિયર તરફ પિસ્ટલ તાંકીને જલ્દી કેશ ભરો નહી તો ગોળી મારી દઈશ એમ કહેતો હતો. ફરીથી તેણે આશિષભાઈ તરફ પિસ્ટલ ધરીને હાથ ઉપર કર નહી તો તને પણ ગોળી મારી દઈશ કહીને કેસ કાઉન્ટરમાંથી થેલો ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

આ શખ્સનું ધ્યાન થેલા તરફ જતા આશિષભાઈએ કાચનો ગ્લાસ તેના માથા પર છુટો ફેંક્યો હતો અને પિસ્ટલવાળો હાથ કાંડામાંથી પકડી લીધો હતો. આથી આ શખ્સે એક રાઉન્ડ ફાયર કરી દીધો હતો અને બીજીવખત ફાયર કરે તે પહેલા આશિષભાઈએ તેને નજીકના સોફા પર પટકી દીધો હતો. તેમણે બુમાબુમ કરતા સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને આરોપીના હાથમાંથી પિસ્ટલ નીચે પાડી દીધી હતી. બાદમાં તેને સોફા પર દબાવી દઈને તેની હેલ્મેટ તથા મોઢા પરનો રૃમાલ હટાવી દીધા હતા. તેમણે જોયું તો આ શખ્સ તેમની બ્રાંચનો રેગ્યુલર કસ્ટમર ચિરાગ જયેશકુમાર ભાવસાર હોવાનું જણાયું હતું. ન્યુ રાણીપમાં સર્વોપરી સ્વામીનારાયણ નગરમાં રહેતો ચિરાગ અવારનવાર આ બેન્કમાં લોન લેવા માટે આવતો હોવાથી સ્ટાફ તેને સારી રીતે ઓળખતો હતો. બાદમાં પોલીસને જાણ કરાતા ઘાટલોડીયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દરમિયાન કેશિયરે કાઉન્ટરમાં કેશ ગણી જોતા સિલક રૃપિયા ૬૭,૯૭૦માંથી રૃ.૧૪,૯૭૦ ની નોટો ચિરાગ ભાવસારે લુંટ કરી હોવાનુ બહાર આવ્યું હતું. બનાવ વખતે તે નશામાં હોવાનું પણ જણાયું હતું. આ અંગે ઘાટલોડીયા પોલીસે ચિરાગ ભાવસારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleવોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Next articleઅમદાવાદમાં ૩ સ્કૂલોની કેન્ટીનો બંધ કરાવાઇ, ત્રણ ક્લબોની કેન્ટિનને નોટિસ