ઉથલપાથલ અને વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટી ગયો

420

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૮૫૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ અને તાતા મોટર્સના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. આની બિલકુલ વિરુદ્ધમાં યશ બેંક, સનફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૫૭ પોઇન્ટ ઘટીને ૧૧૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન સેંસેક્સ ૨૫૬ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી એક વખતે ૮૦ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. જો કે, મોડેથી તેમાં વધુ ઘટાડો નોંધાયો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૧૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૪૧૪ની નીચી સપાટીએ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૬૯૯ નોંધાઈ હતી. સેક્ટરલ રીતે જોવામાં આવે તો તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. એકમાત્ર નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી ઓટો, નિફ્ટી મેટલ, પીએસયુ બેંક અને રિયાલીટી કાઉન્ટરોમાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં પણ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ક્રમશઃ ૦.૮૧ અને ૦.૫૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડિગોના શેરમાં પણ આજે ઘટાડો રહ્યો હતો. આજે શરૂઆતી કારોબારમાં તેના શેરમાં ૧૭.૫૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. મનપસંદ બેવરેજના શેરમાં પાંચ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ટીસીએસના શેરમાં ૨.૯ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત પાંચ મહિના સુધી લેવાલીમાં રહ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ પહેલાની અપેક્ષાઓ અને વૈશ્વિક ટ્રેડ ટેન્શન લઇને વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે જેના કારણે વેચવાલીનું વલણ અપનાવ્યું છે. આ પહેલા વિદેશી મૂડીરોકાણકારો દ્વારા સતત પાંચ મહિના સુધી ભારતીય મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. એફપીઆઈ દ્વારા જૂન મહિનામાં ૧૦૩૮૪.૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં રોકવામાં આવ્યા હતા. માઇક્રો ઇકોનોમિક ડેટા પણ જાહેર કરવામાં આવનાર છે. મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી)ના આંકડા જારી કરવામાં આવશે જ્યારે જૂન મહિના માટેના સીપીઆઈ ફુગાવાના આંકડા ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવશે. મે મહિનામાં રિટેલ ફુગાવો મે મહિનામાં ૩.૦૫ ટકાની સાત મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હતો. ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચ્યો હોવા છતાં આરબીઆઈ દ્વારા જે સપાટી નક્કી કરવામાં આવી છે તેના કરતા ફુગાવો હજુ પણ ઓછો રહ્યો છે. એપ્રિલ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૨.૯૯ ટકાનો રહ્યો હતો તે પહેલા ૨.૯૨ ટકાનો આંકડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય મોરચા ઉપર ભાગીદારો અમેરિકાના કન્ઝ્‌યુમર ક્રેડિટના આંકડાની રાહ જોઈ રહ્યા છે.

Previous articleઅમેરિકાથી ભારત ૧,૦૦૦ વિમાનો ખરીદવા ઇચ્છુક છે
Next articleબનાસકાંઠા જિલ્લામાં ખનીજ તંત્રએ વોચ ગોઠવીને રોયલ્ટીની ચોરી કરનાર નવ ડંપરને ઝડપી પાડ્‌યા