રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘનો દાવોઃ સરદાર સરોવરમાં પાણી ઓછું, ગુજરાતની જનતાને કોઈ તકલીફ નહિ

1207
guj1422018-6.jpg

એક તરફ ઉનાળા પહેલા જ ગુજરાત પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીમાં પહેલીવાર તળિયા દેખાઈ રહ્યા છે, જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને ઉનાળુ પાક ન લેવાની સલાહ આપી હતી. જેના બાદ શરૂ થયેલા આ મુદ્દામાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે આજે નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, હા, સરદાર સરોવરમાં ખરેખર પાણી ઓછું છે. પરંતુ ગુજરાતની જનતાને તેની કોઈ તકલીફ નહિ થાય.
મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું કે, સરોવરમાં પાણી ઓછું છે, પરંતુ ગુજરાતની જનતાને પાણીની કોઈ તકલીફ નહિ પડે. ડેલ્ટ સ્ટોરેજમાઁથી પાણી લઈ શકાશે. પાણી ઈરિગેશન મે ફાસ્ટ ટનલમાંથી લેવાશે. પરંતુ હાલમાં ખેતી માટે નર્મદા નદીમાં ૬૦૦ ક્યુસેકથી વધુ પાણી નહિ છોડાય. ગુજરાતની જનતાને પાણી માટે કોઈ તકલીફ નહિ પડે. આ માટે આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રે ખૂબ સહયોગ આપ્યો છે, જેથી ગુજરાતના લોકોને પીવાનું પાણી સતત મળતું રહેશે. આ સાથે જ તેમણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અંગે જણાવ્યું કે તેનું કામ આગામી ૩૧ ઓક્ટોબર સુધી પુરુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નર્મદાનું પાણી વેડફાતા આગામી દિવસોમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થવાની શક્યતા છે, ત્યારે રાજ્યના મુખ્ય સચિવે તમામ મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર્સ પાસેથી ગુજરાતની પાણીની સ્થિતિ અંગેનો રિપોર્ટ મગાવ્યો હતો. આ ઉપરાંત ઉનાળામાં ઉભી થનારી સંભવિત પીવાના પાણીના સંકટને ખાળવા માટે જે તે વિસ્તારના કલેક્ટર અને કમિશ્નરે ઉભી કરેલી વૈકલ્પિક વ્યવસ્થાની વિગતો પણ મગાવી હતી. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે પૃથ્થકરણ કરતા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવાની શક્યતા જોવા મળી હતી. બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. જેમાં તેમણે ગુજરાતની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં મુખ્ય મુદ્દો ગુજરાતની જનતાને પાણી પૂરુ પાડવાનો હતો.

પાણી સાથે સાથે ગુજરાતમાં વીજ કટોકટીના સ્પષ્ટ સંકેતો
ઉનાળાના દિવસોમાં પાણીની સાથે સાથે ગુજરાતમાં હવે વીજ કટોકટી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં ગુજરાત સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાત સરકારે પહેલાથી જ કબુલાત કરી છે કે ઉનાળાના દિવસોમાં પાણીની કટોકટી સર્જાઇ શકે છે. હવે વીજળી કટોકટીના એંધાણ પણ દેખાઇ રહ્યા છે. ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી માંગને લઇને પરેશાન છે. વિવિધ સંવેદનશીલ મુદ્દાનો સામનો પહેલાથી જ કરી રહી છે. વીઝળીની કટોકટી ઉભી થવાની સ્થિતીમાં ગુજરાત સરકારને માંગને પહોંચી વળવા માટે ઓપન માર્કેટમાંથ વીજળી ખરીદવાની ફરજ પડી શકે છે. તમામ ઘટનાક્રમ પર નજર રાખનાર સુત્રોએ કહ્યુ છે કે વીજળીની માંગ વધવાની શરૂઆત પહેલાથી જ થઇ ચુકી છે. આ માંગણી હજુ ઝડપથી વધી શકે છે. ગરમીમાં વીજળીની માંગ હમેંશા વધારે રહે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે માહિતી આપતા કહ્યુ છે કે ગુજરાતમાં હવે ઠંડીની સિઝન પૂર્ણ થઇ ચુકી છે. ૩૦૦૦ મેગાવોટની ક્ષમતા સાથે કોલસા આધારિત પાવર પ્લાન્ટ અને ૫૦૦૦ મેગાવોટ ક્ષમતા સાથેના ગેસ આધારિત પ્લાન્ટ બંધ થવાના કારણે કેટલીક તકલીફ રહેલી છે.હાલમાં ઓપન ગ્રીડમાંથી ૪૦૦ મેગાવોટની ખરીદી કરવામાં આવી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે હાલમાં માંગ ૧૧૮૦૦ મેગાવોટ છે. ગયા  વર્ષે પીક માંગ ૧૫૫૭૦ મેગાવોટ હતી.  ગયા વર્ષની તુલનામાં વીજળીની માંગમાં સાતથી ૧૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે. બંધમાં પાણીની ઓછી સપાટીના કારણે આ સિઝનમાં જમીની પાણીની તંગી પણ રહેનાર છે. ભૂગર્ભ જળને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ગુજરાત સરકારે ૧૨૦૦ કરોડ રૂપિયાની વીજળીની ખરીદી કરી હતી. આ વખતે આંકડો ૧૫૦૦ કરોડની આસપાસ પહોંચી શકે છે.  

Previous articleમહાશિવરાત્રિ પર્વે ભાવેણુ શિવભક્તિમાં લીન
Next articleદાંડીયાત્રા કરી હતી તે રોડને નેશનલ ધોરી માર્ગ બનાવવા કામગીરીઃ મનસુખ માંડવીયા