દહેગામના વોર્ડ નં.૫ અને ૬માં ઓછા ફોર્સથી પાણી આપવાના કારણે રહીશો પરેશાન

377

એક તરફ વરસાદ ખેંચાઈ રહયો છે અને બીજી તરફ તળના પાણી ખાલી થઈ રહયા છે તેવામાં દહેગામ નગરપાલિકાના વોર્ડ નં.પ અને ૬માં પાણી ઓછું આવવાની ફરિયાદો વ્યાપક બની છે. મહત્વની બાબત એ છે કે નહેરૂ સોસાયટી બહાર આવેલા બોરમાં આવતા પાણીની લાઈનોમાંથી એક તરફ બે સોસાયટીના રહીશોને પાણી આપવામાં આવે છે જ્યારે બીજી લાઈનમાંથી ૩૦થી વધુ સોસાયટીઓને પાણી આપવામાં આવે છે. ત્યારે પાણીની વહેચણીમાં આટલી અસામાનતા કેમ છે તેવા પ્રશ્નો ઉઠી રહયા છે.

દહેગામ શહેરમાં આવેલા વોર્ડ નં.પ અને ૬ના રહીશો છેલ્લા એક મહિનાથી પાણીની તંગીનો સામનો કરી રહયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે દરરોજ સવારે એક કલાક અને સાંજે એક કલાક પાણી છોડવામાં આવે છે પણ પાણીનો ફોર્સ ન આવતો હોવાથી માત્ર પીવાના પાણીની સગવડતા થઈ શકે છે. જ્યારે નહાવા અને કપડા ધોવા માટે પાણી પુરતું મળી રહેતું નથી.

આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે દહેગામ નહેરૂ સોસાયટી બહાર આવેલા બોરમાંથી ત્રણ લાઈનો નીકળે છે જેમાંથી એક લાઈન જીઈબી તરફ એક લાઈન નહેરૂ સોસાયટી અને બંસીધર સોસાયટી જ્યારે ત્રીજી લાઈનમાં છેક વડોદરાના પાટીયા સુધી જાય છે તો ત્રીજી લાઈનમાં આવતી સોસાયટીઓમાં પાણી સાવ ઓછું મળે છે.

વરસાદ ખેંચાતા હવે તળના પાણી ઓછા થવા લાગ્યા છે ત્યારે બીજી તરફ પાલિકા વાર્ષિક લાખો રૂપિયા નર્મદાના પાણી ખરીદવામાં કરવામાં આવી રહયું છે તો પ્રશ્ન એ છે કે એક તરફ પાણીનો ફુલ વેડફાટ થઈ રહયો છે અને બીજી તરફ લોકો પાણી માટે વલખાં મારી રહયા છે.