યુવરાજ સાથે ચીટિંગ…ગ્લોબલ ટી-૨૦માં રમવાના રૂપિયા જ ન મળ્યા

501

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વિદેશી ટી-૨૦ લીગમાં રમવાનું શરૂ કર્યું છે. તેણે સંન્યાસની જાણકારી બીસીસીઆઈને મોકલીને ગ્લોબલ ટી૨૦ કેનેડા, કેરેબિયન પ્રીમિયર લીગ જેવી ટી૨૦ લીગમાં રમવાની મંજૂરી માંગી હતી. પરંતુ પહેલી જ વિદેશી ટી૨૦ લીગમાં રૂપિયાની ગડબડી થઈ છે. ગ્લોબલ ટી૨૦ કેનેડામાં બુધવારે તેની ટીમ ટોરેન્ટો નેશનલ્સ અને મોન્ટ્રિયલ ટાઈગર્સના ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં રમવાની રકમ ન મળ્યા બાદ મેચનો બહિષ્કાર કર્યો હતો.

એક અહેવાલ મુજબ, બંને ટીમના ખેલાડીઓ સમયસર મેદાન પર પહોંચ્યા નહોતા. બંને ટીમે બેસમાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો. ખેલાડીઓએ બાકી રકમની માંગ કરી હતી. આયોજકો સાથે વાત કર્યા બાદ ખેલાડીઓ મેચ રમવા સહમત થયા હતા. પરંતુ આ મેચથી યુવરાજ સિંહ દૂર રહ્યો હતો.

રિપોર્ટ મુજબ, ગ્લોબલ ટી૨૦ કેનેડામાં મોટાભાગના ખેલાડીઓને હજુ સુધી એક પણ રૂપિયા મળ્યો નથી, જેના કારણે તેઓ નારાજ છે.

એક ખેલાડીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું, ‘જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી નહીં રમીએ.’ ટોરંટો અને મોન્ટ્રિયલ વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ ૧૦ વાગે શરૂ થવાની હતી પરંતુ ૨ કલાક બાદ આશરે ૧૨ કલાકે શરૂ થઈ ગઈ હતી. ગ્લોબલ ટી૨૦ કેનેડાના સત્તાવર ટિ્‌વટર એકાઉન્ટ પર ટેકનિકલ કારણોસર મેચમાં વિલંબ થયો હોવાનું જણાવાયું હતું.