દહેગામના યુવકનો જન્મદિવસ અંતિમ દિવસ બન્યો, પોલીસે પીછો કરતા કોઝવેમાં કાર ખાબકી

2897

રાજસ્થાનથી બર્થડે પાર્ટી માનવી કારમાં દહેગામ તરફ પરત ફરતા સમયે ગાંભોઇથી આગળ પસાર થઈ રહ્યા હતા પાછળ પોલીસ વાન આવતી હોવાથી કારમાં સવાર ચાર મિત્રો પોલીસ પીછો કરતી હોવાનું લાગતા કાર પુરઝડપે હંકારી મૂકી આગીયોલ ગામ તરફ દોડાવી મૂકી હતી. થોડે દૂર રહેલા કોઝવે સાથે કાર અથડાઈ પાણી ભરેલા મોટા ખાબોચિયામાં ઊંધા માથે ખાબકતા કારમાં રહેલા બર્થડે બોય બિસાન સુરજિત મરાઠી સાથે તેના મિત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ગુરુવારે સાંજના સુમારે આગીયોલ નજીક કાર કોઝવે સાથે અથડાઈ ધડાકાભેર પાણીમાં ખાબકતા આજુબાજુમાંથી ગામલોકો દોડી આવ્યા હતા પાણીમાં ખાબકેલી કારમાંથી યુવકોને ફાયરબ્રિગેડની ટીમ સાથે બહાર કાઢવામાં આવતા ૨ યુવકોનું મોત નીપજ્યું હતું. ૨ યુવકોના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામના બિસાન સુરજિત મરાઠીનો જન્મદિવસ હોવાથી ૪ મિત્રો કારમાં રાજસ્થાન ઉજવણી કરવા ગયા હતા દિવસભર ઉજવણી કરી પરત ફરતા સમયે આગીયોલ ગામ નજીક પોલીસવાન જોઈ ગભરાઈ ઉઠેલા કાર ચાલકે કાર આગિયોલ ગામ તરફ હંકારી મુકતા પૂરઝડપના પગલે સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા કોઝવે સાથે અથડાઈ કાર પાણીમાં ખાબકતા કારમાં સવાર બિસાન સુરજિત મરાઠી અને ધર્મા લક્ષ્મણ મરાઠાનું મોત નિપજતા જન્મદિવસ જ અંતિમ દિવસ બન્યો હતા. કારમાં સવાર અન્ય મનોજ મનુભાઈ બારોટ તથા કલ્પેશ દશરથ દેવીપૂજક (તમામ, દહેગામ)ના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવાનની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.