પાટનગરમાં અકસ્માતો નિવારવા તમામ સર્કલો પર લાઇટ રિફલેક્ટર લગાવવામાં આવશે

0
344

સિટી બ્યુટીફિકેશન અને કેપીટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પાટનગરમાં મુખ્ય માર્ગો પર આવેલા સર્કલની અવનવી ડિઝાઇનો કરીને વિકસાવાયા છે. આ કામગીરી વિવિધ સંસ્થાઓને તેમની માગણી અનુસાર સોંપાયા પછી યોગ્ય જાળવણી નહીં કરતી સંસ્થાઓને પાટનગર યોજના વિભાગ અને મહાપાલિકા દ્વારા નોટીસ ફટકારીને જરૂરી કાર્યવાહી કરાશે. બીજી બાજુ સર્કલો પર રાત વેળાએ વાહનો ચઢી જવાના અકસ્માતના બનાવ બનતા હોવાથી સર્કલોની રેલીંગ સાથે લાઇટ રિફલેક્ટર તૂટી જતા હોવાથી જ્યાં જરૂર જણાશે ત્યાં નવેસરથી લાઇટ રીફલેક્ટર લગાડાશે.

પાટનગરમાં માર્ગો વધુ પહોળા હોવાથી વાહન અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓની અકસ્માતો અટકાવવા રજુઆતો પછી ટ્રાફિક પોલીસ દ્વારા શહેર વ્યાપી સરવે કરાયો હતો. પોલીસ દ્વારા એ વાત શોધી કાઢવામાં આવી હતી કે, જે સર્કલ પર લાઇટ રીફ્‌લેક્ટર લગાડાયા નથી અથવા તુટી ગયા છે. રિફલેક્ટર નહીં હોવાના કારણે તેવા સર્કલ આસપાસ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આ અહેવાલના પગલે જ્યાં જરૂર જણાઇ છે તેવા સર્કલ પર નજીકના દિવસોમાં રીફ્‌લેક્ટર લગાડી દેવાશે. આ કામગીરીની શરૂઆત ઘ-રોડ પરના સર્કલથી કરવામાં આવશે.

બીજી બાજુ રાજી ખુશીથી સર્કલના સુશોભન અને જાણવણી કરવા માટેની જવાબદારી સ્વીકાર્યા પછી અને તેના સંબંધે કરાર કરવામાં આવ્યા પછી કેટલીક સંસ્થાઓ તરફથી જાણવણીના મામલે વ્યાપક બેદરકારી દાખવાતી હોવાથી શહેરની શોભા ઘટી રહી છે.

પાટનગર યોજના વિભાગના સુત્રોએ જણાવ્યું કે, એવા સર્કલ શહેરમાં છે જે વિકસાવાયા પછી મહાપાલિકાને સોંપી દેવામાં આવ્યા છે, પરંતુ જે તે સંસ્થા દ્વારા કરારમાં રાખવામાં આવેલી શરતો મુજબ યોગ્ય જાણવણી કરવામાં આવતી નથી. આવી સંસ્થાઓને નોટીસ આપવાનો નિર્ણય લેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here