ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણ સોમવારે ભાજપના કાર્યાલય કમલમ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપનો ખેસ પણ ધારણ કર્યો હતો. જે બાદમાં તેમણે બુધવારે વીડિયો સંદેશ મારફતે પોતે ભાજપમાં જોડાયા ન હોવાનો ખુલાસો કર્યો હતો. હવે કોંગ્રેસની કોઈ ઓફિસ ખાતે અને કોંગ્રેસના નેતાઓ સાથે હેમંત ચૌહાણની તસવીરો વાયરલ થઈ છે. જી.એન.એસ. આ તસવીરો ક્યારની છે તેની કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ જે તસવીરો સામે આવી છે તે કોંગ્રેસ ઓફિસની હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપમાં જોડવાને લઈને રાજકારણ ગરમાતા તેમણે બપોર પછી પોતાના ઘરે પત્રકારોને સંબોધ્યાં હતા. પત્રકાર પરિષદ દરમિયાન હેમંત ચૌહાણે પોતે ભાજપમાં સક્રિય રીતે જોડાયો હોવાનો ઇન્કાર કર્યો હતો તેમજ પોતે ભજનના માણસ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે જો તેમને કોંગ્રેસ ખેસ પહેરાવે કે પછી મુસ્લિમો ટોપી પહેરાવો તો પણ તેઓ પહેરી લે, કલાકારને કોઈ પક્ષ નથી હોતો. ભજનિક હેમંત ચૌહાણના વાયરલ થયેલા ફોટોમાં તેઓ કોંગ્રેસની ઓફિસમાં નજરે પડી રહ્યા છે. જે હેન્ડલ પરથી તસવીરો વાયરલ થઈ છે તેના પર લખવામાં આવ્યું છે કે પ્રસિદ્ધ ગાયક કલાકાર હેમંત ચૌહાણનું કોંગ્રેસની ઓફિસ ખાતે સુતરની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ફોટાની અંદર જે ઓફિસ બતાવવામાં આવી છે તેની દીવાલ પર સોનિયા ગાંધીની તસવીર છે. આ ઉપરાંત ઓફિસના સોફા અને પડદા પરથી તે કોંગ્રેસની ઓફિસ હોવાનું લાગી રહ્યું છે. ફોટોમાં નજરે પડતાં લોકો પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે. કોંગ્રેસ કલ્ચર કમિટીના ચેરમેન દિનેશ પટેલે આ તસવીરો અંગે જણાવ્યુ હતુ કે, “હેમંત ચૌહાણ તાજેતરમાં અમારે ત્યાં આવ્યા હતા,અમે સુતરની આંટી પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. કલાકાર તરીકે તેમને અન્યાય થતો હોવાનું જાણીને અમે તસવીરો પોસ્ટ કરી છે.”


















