દરિયાઇ માર્ગે આતંકીઓની ઘુસણખોરી : હાઈએલર્ટ જાહેર

412

દક્ષિણ ભારત બાદ હવે પશ્ચિમી દરિયાકાંઠાથી પણ પાકિસ્તાની નાપાક હરકત થવાના સંકેત મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કંડલા અને મુંદ્રા બંદરો સહિત ગુજરાતના કચ્છ જિલ્લાના તમામ ચાવીરુપ સ્થળ ઉપર સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ કરવામાં આવી છે. ગુજરાતમાં કંડલા બંદરની નજીક પાકિસ્તાની કમાન્ડો અને આતંકવાદીઓ ઘુસણખોરી કરીને હુમલાને અંજામ આપી શકે છે તેવા અહેવાલ આવી ચુક્યા છે. આ પહેલા પણ ભારતીય નૌકા સેનાએ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફથી ત્રાસવાદી કાવતરાને લઇને એલર્ટની જાહેરાત કરી હતી. શ્રીલંકાના રસ્તે તોઇબાના કેટલાક આતંકવાદીઓની ઘુસણખોરીને લઇને સુરક્ષા સંસ્થાઓ પહેલાથી જ એલર્ટ પર છે. એવા અહેવાલ મળ્યા છે કે, તોઇબાના ત્રાસવાદી શ્રીલંકા મારફતે જળમાર્ગથી તમિળનાડુમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. ગુજરાત પોલીસના ટોપના અધિકારીઓએ કહ્યું છે કે, કંડલા પોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. ત્રાસવાદીઓ નાની નૌકાઓ મારફતે કચ્છની ખીણ અને સરક્રિકથી ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. પાકિસ્તાનના ટ્રેનીંગ લીધેલા કમાન્ડો અને આતંકવાદીઓ હરામીનાળામાં થઈને કચ્છ અને સરક્રિકમાં આતંકી નાપાક હરકતને અંજામ આપવા માટે ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્ર દ્વારા સમગ્ર રાજયમાં હાઇ એલર્ટ જાહેર કરાયુ છે. આઇપી ઇનપુટ મુજબ, પાકિસ્તાની ષડયંત્રના ભાગરૂપે આંતકવાદીઓ સાથે સાથે કંડલામાં પણ અન્ડર વોટર હુમલો કરે એવી શક્યતા છે. જેને પગલે બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિત અન્ય સુરક્ષા એજન્સીઝને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં પેટ્રોલીંગ  એકદમ સઘન અને સતત કરી દેવાયું છે. કોઈપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું ચેકીંગ શરૂ કરી દીધું છે અને મરિન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે. કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી દીધી છે.

આતંકી હુમલાના ઈનપુટને પગલે અદાણી પોટ્‌ર્સ દ્વારા એક એડવાઈઝરી રિલીઝ કરવામાં આવી છે. જેમાં શીપીંગ એજન્ટ્‌સ અને સ્ટેક હોલ્ડરને જહાજો અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે મરિન કન્ટ્રોલ સ્ટેશન તથા પોર્ટ ઓપરેશન સેન્ટરને તાત્કાલિક રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે, મુન્દ્રા પોર્ટમાં હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ ને હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ અફઘાનિસ્તાનના શખસોને ટ્રેનિંગ આપીને આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં ઘુસાડવાના પ્રયાસ કરાઈ રહ્યાનું બહાર આવ્યુ છે. તો સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે એલર્ટ જાહેર કરાયુ છે. તેમાંય દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં અંડર વોટર એટેક થવાના ઈનપુટના આધારે હાઈ સિક્યોરીટી એલર્ટ જાહેર કરાયુ છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છમાં હરામી નાળા ક્રીકથી ઘૂસ્યા છે. જેમણે અંડર વોટર એટેક માટે ટ્રેનીંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટ, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓને સુચિત કરીને દરીયામાં કોઇપણ અયોગ્ય હલન ચલન કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. આ અંગે પૂર્વ કચ્છમાં એસપીનો ચાર્જ સંભાળી રહેલા ડી.એસ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોની ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. મરીન કમાન્ડોની એક ટુકડીને પણ તૈનાત કરી લેન્ડિંગ પોઈન્ટ્‌સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ મરીન પોલીસ સાથે દરીયામાં પણ પેટ્રોલીંગ કરાઈ રહ્યુ છે. કંડલા મરીનના પીઆઈ વી.એફ. ઝાલાએ પોલીસની એક અને સીઆઈએસએફની બે બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દરમ્યાન સીઆઇએસએફના આઈજી પણ કંડલાની મુલાકાતે આવી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. ટ્‌વીટર પર પાકિસ્તાનના વ્યક્તિ દ્વારા પાકિસ્તાની નેવીએ ભારતનું ૩૫ ટકા કાર્ગો વહન કરતા કંડલાને ટાર્ગેટ કરવું જોઇએની ટીપ્પણી કરાઇ છે, જેને પગલે રાજય સુરક્ષા તંત્ર અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એકદમ સતર્ક બની ગઇ છે.

Previous articleબે ઑક્ટોબરે પીએમ અમદાવાદ આવશે
Next articleયુનિવર્સિટી ટૂંકમાં વિશ્વની ટોપમાં સામેલ થશે : શાહ