ગુજરાતમાં મેઘમહેર : રાજકોટમાં ૮ ઇંચ વરસાદથી જળબંબાકાર

494

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજ્યભરમાં ભારે મેઘમહેર યથાવત રહેતા તમામ લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજકોટમાં કલાકોના ગાળામાં જ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે જેમાં જુનાગઢ, જામનગર, પોરબંદર, ભાવનગરનો સમાવેશ થાય છે. પાલીતાણામાં પાંચ કલાકના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. સાબરકાંઠાના કોશીનામાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સતત ત્રીજા દિવસે વરસાદી કૃપા જારી રહી છે. કચ્છમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં રાત્રે એક વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં માત્ર આઠ કલાકમાં જ આઠ ઇઁચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેને પગલે રાજકોટ પંથકમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મોટાભાગના વિસ્તારો, કોઝ-વે, અંડરપાસ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, આજી ૧, ન્યારી ૧, આજી ૨ ડેમ, મચ્છુ ડેમ-૩ સહિતના ડેમ અને જળાશયો ઓવરફલો થયા હતા. આ જ પ્રકારે ગીરના જંગલમાં ત્રણ ઇંચથી વધુ અને જૂનાગઢ-જામનગરમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ નોંધાતા ત્યાં પણ સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ. અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે જયારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજકોટમાં માત્ર આઠ કલાકમાં જ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદ પગલે કોટડાસાંગણીનો છાપરી ડેમ ઓવરફ્‌લો થયો છે. જ્યારે ન્યારી-૨ ડેમ ઓવરફ્‌લો થયો છે. શહેરીજનોની જીવાદોરી સમાન આજી ૧ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્‌લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.  રાજકોટમાં સેન્ટ્રલ ઝોનમાં ૭ ઇંચ, પશ્ચિમ ઝોનમાં ૮ ઇંચ અને પૂર્વ ઝોનમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ભોળેશ્વર મંદિર અને આમ્રપાલી ફાટક પાસે પાણી ભરાયા હતા તેમજ પોપટપરાનું નાલુ પણ વરસાદી પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણીમાં બે ઇંચ, લોધિકામાં બે ઇંચ, જેતપુર, જસદણ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આટકોટમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે જામનગર જિલ્લામાં પણ બે ઇંચથી લઇ છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જામનગર પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સર્વત્ર પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જામનગરના સપડા અને કંકાવટી ડેમ ઉપર ૫ ઇંચ તથા સોરઠી-વિજરખી અને ઉંડ-૧ ડેમ ઉપર સાડા ત્રણથી ચાર ઇંચથી વધુ વરસાદ પડ્‌યો હતો. જ્યારે પન્ના ડેમ ઉપર ૩ ઇંચ, રંગમતી-ફુલઝર-૨ ડેમ ઉપર પણ ૨ ઇંચથી વધુ વરસાદ પડ્‌યો હતો. તો, જામજોધપુર તાલુકાના ગોપમાં ગઇકાલ રાતથી છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટની જીવાદોરી સમાન આજી ૧ ડેમ ઓવરફ્‌લો થયો છે.

ગીરનાર જંગલમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોધાયો હતો, જેથી ગીરનાર પર્વત પરથી ધોધની જેમ પાણી નીચે વહ્યું હતુંં. દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે પણ મહેર જારી રાખી છે. છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠાના પોશીનામાં ૫ાંચ ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા ૫ ઈંચ, દાંતા ૩ ઈંચ, પાલનપુર અને ડીસામાં ૨ ઈંચ, સતલાસણામાં અને ભિલોડામાં પોણા ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં ત્રણ   ઈંચથી વધુ, માંડવી અને નખત્રાણા બે ઈંચથી વધુ વરસાદ પડ્‌યો હતો. ઉત્તર ગુજરાતમાં ૧૮ મીમીથી વધુ એવરેજ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છમાં  ૨૦ મીમી એવરેજ વરસાદ ખાબક્યો હતો. હજુ આગામી ૨૪ કલાક સુધી હળવાં ઝાપટાં વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં, અબડાસા ૭૨ મીમી, ભુજ ૧૨ મીમી, ગાંધીધામ ૩ મીમી, લખપત ૭ મીમી, માંડવી ૪૨ મીમી, મુંદ્રા ૩ મીમી, નખત્રાણા ૩૯ મીમી, રાપર ૧૪ મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે પાટણ જિલ્લામાં,  ચાણસ્મા ૪ મીમી, હારીજ ૨ મીમી, પાટણ ૨ મીમી, સિધ્ધપુર ૩ મીમી વરસાદ નોંધાયો હતો. તો,  બનાસકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ ૨૩ મીમી નોંધાયો હતો, જેમાં અમીરગઢ ૩૬ મીમી, ભાભર ૨ મીમી, દાંતા ૭૬ મીમી, દાંતીવાડા ૧૪ મીમી, ડીસા ૪૮ મીમી, ધાનેરા ૧૩ મીમી, કાંકરેજ ૪ મીમી, લાખણી ૩૦ મીમી, પાલનપુર ૫૨ મીમી, સુઈગામ ૧૩ મીમી, થરાદ ૧૫ મીમી, વડગામ ૧૪ મીમી, વાવ ૫ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે  મહેસાણા જિલ્લાનો એવરેજ વરસાદ ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં કડી ૮ મીમી, ખેરાલુ ૫ મીમી, મહેસાણા ૧૫ મીમી, સતલાસણા ૪૪ મીમી, ઊંઝા ૫ મીમી, વડનગર ૫ મીમી, વિજાપુર ૧૩ મીમી, વિસનગર ૩૦ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે સાબરકાંઠા જિલ્લાનો એવરેજ વરસાદ ૩૮ મીમી નોંધાયો હતો. જેમાં હિંમતનગર ૩ મીમી, ઈડર ૧૫ મીમી, ખેડબ્રહ્મા ૧૧૬ મીમી, પોશીના ૧૩૦ મીમીથી વધુ, પ્રાંતિજ ૮ મીમી, તલોદ ૩ મીમી, વડાલી ૧૦ મીમી, વિજયનગર ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, અરવલ્લી જિલ્લાનો એવરેજ વરસાદ ૧૮ મીમી નોંધાયો હતો. જેમાં  ભિલોડા ૩૬ મીમી, ધનસુરા ૨૨ મીમી, માલપુર ૬ મીમી, મેઘરજ ૧૨ મીમી, મોડાસા ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો.

Previous articleરાજકોટ : ડેમ ઓવરફ્‌લો થતાં ખેડૂત ખુશખુશાલ…
Next articleનારી ગામની ૭૫ બહેનોને વિધવા પેન્શનના પત્રો અપાયા