ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં ગુજરાત દેશભરમાં મોખરે : પંચાયત રાજ્યમંત્રી

554

રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકારના સઘન આયોજનના પરિણામે ગુજરાતના ગામડાં માળખાગત સવલતોના નિર્માણ ક્ષેત્રે દેશભરમાં મોખરે રહ્યાછે. ભારત સરકારના ગ્રામીણ મંત્રાલય દ્વારા અમલી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (જીપીડીપી) તૈયાર કરવામાં પણ ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. ગ્રામ્યસ્તરે માળખાગત સવલતોનું નિર્માણ અને સામાજિક આર્થિક વિકાસ ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

આજે ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસવિભાગ, યુનિસેફ, ઉન્નતિ અને એસઆઇઆરડીના સંયુકત ઉપક્રમે ગ્રામ પંચાયત વિકાસ યોજના હેઠળના અવકાશ, પડકારો અને ભવિષ્યના આયોજન માટે યોજાયેલ એક દિવસીય કોન્ફરન્સને ખુલ્લી મૂકતા મંત્રી પરમારે કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટી અને સમયબદ્ધ આયોજનના પરિણાામે રાજ્યના ગામડાઓમાં માળખાગત સવલતોના નિર્માણમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની પંચાયતો દ્વારા સામૂહિક વિકાસના કામોમાં આંતરિક રસ્તાઓ, એપ્રોચ રોડ, પીવાના પાણીની સુવિધા, શાળાના ઓરડા, સિંચાઇના કામો, પંચાયત ઘરના કામો, સ્મશાન ગૃહ, સેનીટેશન સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધર્યા છે. જેના પરિણામે રાજ્યના ગામડાં આજે ધબકતા થયા છે. રાજ્યની મહત્વાકાંક્ષી જ્યોતિગ્રામ યોજના હેઠળ ગ્રામ્યસ્તરે ચોવીસ કલાક થ્રી ફેઝ ગુણવત્તા યુક્ત વીજળી પણ પૂરી પાડવામાં આવી રહી છે તે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટીને આભારી છે. મંત્રી પરમારે ઉમેર્યું કે, ગ્રામ પંચાયતોના સશક્તિકરણ માટે ૧૪મા નાણાં પંચ હેઠળ ગ્રામ પંચાયતોને સ્વતંત્ર રીતે નાણાંકીય જોગવાઇ કરાઇ છે જેના લીધે ગ્રામ્ય નાગરિકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સફળતા મળી છે. ગ્રામીણ વિકાસના સંદર્ભમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિઝન ૨૦૩૦ને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ પંચાયતો ‘સબકી યોજના સબકા વિશ્વાસ’ હેઠળ પંચાયતોને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે પીપલ્સ પ્લાન કેમ્પેઇન શરૂ કરાયું છે. જેમાં ગ્રામ પંચાયતોને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે પ્લાન ગુજરાતે તૈયાર કરી દીધા છે. તેમણે ઉમેર્યું કે, જીપીડીપી અભિયાનમાં રાજ્યની તમામ ૧૪,૨૯૨ પંચાયતોમાં ફેસીલેટર્સ, નોડલ ઓફિસરની નિમણુક કરી દેવાઇ છે. તમામ પંચાયતોમાં ગામડાના લોકોના સહયોગથી વિકાસ કરવા માટે ગ્રામ સભાનો અભિગમ અપનાયો છે. તમામ ગામડામાં નિયમિત ગ્રામસભાનું આયોજન કરીને ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરાઇ છે. છેલ્લા બે વર્ષમાં ગ્રામ સ્તરે વિકાસ કામો માટે રૂ.૪૫૫૯.૨૨ કરોડના વિવિધ પ્રોજેકટ તૈયાર કરીને જીપીડીપી પ્લાન પ્લસ પોર્ટલ પર અપલોડ કરી દેવાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ના જીપીડીપી માટે ‘પીપલ્સ પ્લાન કેમ્પેઇન’ શરૂ કરવા જણાવાયું છે. જે સંદર્ભે રાજ્યભરમાં આગામી ૨જી ઓકટોબર ગાંધીનયંતીથી પીપલ્સ પ્લાન કેમ્પેઇન હાથ ધરાશે. જેના દ્વારા નાગરિકોને વિકાસ માટે જનભાગીદારી દ્વારા જોડાશે અને ગામડાઓના સર્વાંગી વિકાસ સધાશે.

તેમણે ગામડાઓમાં માળખાગત સવલતોના નિર્માણ સાથે સામાજિક અને આર્થિક વિકાસ માટે ગુજરાતવિઝન ૨૦૩૦ને સાકાર કરવા સૌને અનુરોધ કરતાં કહ્યું કે, માળખાગત સવલતોની સાથે સાથે કુપોષણ નાબૂદી, શાળામાં ૧૦૦ ટકા હાજરી, બાળ મજૂરી નાબૂદી, જેવી સામાજિક બદીને નાબૂદ કરવા તથા સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ થાય તે માટે પણ સમયબદ્ધ આયોજન કરવા સંબંધિતોને સૂચન કર્યું હતું.

વિકાસ કમિશનર મુકેશ જે. ઠક્કરે જણાવ્યું કે, ગ્રામ પંચાયત સ્તરીય વિકાસ યોજનાઓ (જીપીડીપી) તૈયાર કરવામાં ‘જનભાગીદારી’ અગત્યની ભૂમિકા ભજવે છે. ગ્રામજનો જીપીડીપીનો ખરો અર્થ જાણે અને સમજે તે સરપંચશ્રીઓની જવાબદારી છે જ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીઓએ પણ માર્ગદર્શન પુરૂ પાડી જીપીડીપીના અમલીકરણ માટે સહયોગ આપવો આવશ્યક છે. જીપીડીપીની સફળતા માટે ગ્રામ્ય સ્તરે સત્તા અને કાર્યોની ચોક્કસ વહેંચણી પણ જરૂરી છે.

એસઆઇઆરડીના સ્પેશ્યલ ડાયરેકટર વિકટર મેકવાને જીપીડીપીના અમલીકરણ વિષયે જણાવ્યું કે, પંચાયતો જેટલી સક્ષમ હશે તેટલો જ ખરા અર્થમાં ગ્રામ્ય સ્તરે વિકાસ થશે. સરપંચો પાસે સત્તા આવે અને છેવાડાના નાગરિકોના પ્રશ્નોનું સમાધાન થાય તે જરૂરી છે. પંચાયત આર્થિક રીતે સદ્ધર બને તે માટે સરપંચ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્યસ્તરે વધુમાં વધુ લોકો મેળવે તેવા પ્રયત્નો કરવા જોઇએ. પંચાયતોને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ગામડાંમાંથી મળતાં ફંડનો સમજીને આયોજનબદ્ધ ઉપયોગ કરવો જોઇએ.

પંચાયતોએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને એક બીજા સાથે સાંકળી ગ્રામ વિકાસ સાધી ગામડામાં રોજગારી પૂરી પાડી શકાય છે. સરપંચ અને જિલ્લા વિકાસ અધિકારીઓના સહયોગથી જ ખરા અર્થમાં વિકાસ થઇ શકે છે.

આ એક દિવસીય કોન્ફરન્સમાં વિવિધ થીમ આધારિત ચર્ચા સત્રો યોજાયા હતા. જેમાં રાજ્યમાં જીપીડીપીના અમલ, પ્રેક્ટીસ ઇમરજીંગ ફ્રોમ ધ થ્રી રીજિયનલ કન્સલ્ટેશન, હાઉ જીપીડીપી આર બીઇંગ પ્લાન એન્ડ ઇમ્પલીમેન્ટેડ, ઇસ્યુ એન્ડ સોલ્યશન, રીસોર્સ એન્વલોપીંગ એન એસેન્સીયલ એલીમેન્ટ ફોર જીપીડીપી, ડેવલપમેન્ટ ઓફ ઇનોવીટીવ ચાઇલ્ડ સેન્ટર્ડ જીપીડીપી ઇન કન્વર્ઝન્સ ફ્રેમવર્ક, આઇ.ટી. ઇનોવેટીવ એન્ડ બેસ્ટ પ્રેક્ટીસ ઇન જીપીડીપી અ ફ્રોમ કન્ટ્રી, યોજના બનાવો અભિયાન, જળ શક્તિ અભિયાન રોલ ઓફ ગ્રામ પંચાયત ઇન વોટર કન્ઝર્વેશન થ્રુ જીપીડીપી જેવા વિવિધ વિષયો પર નિષ્ણાતો, તજજ્ઞોએ પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા ચર્ચા-વિચારણા થકી માર્ગદર્શન આપ્યું હતું.

આ શિબિરમાં ગ્રામ વિકાસ, ગ્રામ પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિષય નિષ્ણાંતો સહિત રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ, સરપંચઓએ ઉપસ્થિત રહીને વિચાર વિમર્શ કર્યો હતો. સમગ્ર કોન્ફરન્સનું સફળ સંચાલન પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે કર્યું હતું અને આભારવિધિ વિકટર મેકવાને કરી હતી.

Previous articleકિન્નરોનો કાળો કહેર… દાપું ઓછું પડતા યુવકનું માથું દિવાલે અથડાવ્યું, ૩ની ધરપકડ
Next articleમુંબઇમાં ભારે વરસાદ વચ્ચે ૩૦ ફ્લાઇટો રદ