ગુજરાતમાં મેઘ મહેર : દાહોદમાં ૭ ઇંચ વરસાદ

638

ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. મોનસુનની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. આજે દાહોદ, વલસાડ, નવસારી સહિતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દાહોદમાં સાત ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાઈ જતાં લોકો અટવાયા હતા. વાહનો બંધ પડી ગયા હતા. જનજીવન મોટાભાગે અટવાઈ પડ્યું હતું. આજે નવસારીના ખેરગામમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. નવસારી ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતના શામળાજી, માલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદ વચ્ચે ગલતેશ્વરથી વડોદરા જિલ્લાનો સંપર્ક તુટી ગયો હતો. વ્યારા, માંડવી, પલસાણામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ પણ હવે બે કાંઠે થઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મેઘરાજા વધુ પડતા મહેરબાન થઇને વરસ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અને દાહોદ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આવતીકાલે પણ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલના દાહોદમાં આજે માત્ર ત્રણથી ચાર કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જાણે જળતરબોળ બની ગયો હતો અને સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય ગુજરાત ખાસ કરીને પંચમહાલ-દાહોદ પંથકમાં હજુ ભારે વરસાદની આગાહી હોઇ સ્થાનિક જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા હાઇએલર્ટ આપીને અધિકારીઓને હેડકવાર્ટર નહી છોડવા કડક તાકીદ કરાઇ હતી. દાહોદમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ બની હતી. તો, નાળા-તળાવો અને ડેમ છલકાયા હતા. ખાસ કરીને દાહોદ, ભીલવાડા, ઝાલોદ, લક્ષ્મી પાર્ક, મંદાર ચોકડી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી હતી. દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના પંથકો પણ ભારોભાર વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ ઓવરફલોની નજીક પહોંચતાં તંત્ર એલર્ટ પર આવી ગયુ હતુ. તો કડાણા ડેમમાંથી સાત લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અતિ ભારે વરસાદને લઇ આજે દાહોદમાં જળબંબાકારની સ્થિતિને લઇ સ્થાનિક ગ્રામજનોની હાલત કફોડી બની હતી. કેટલાક સ્થળોએ વાછરડીઓ, ગાય સહિતના પશુધનને સલામત સ્થળે ખસડેવાની ફરજ પડી હતી. તો, કેટલાક નીચાણવાળા વિસ્તારમાંથી અસરગ્રસ્ત પરિવારોને પણ સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં સૌથી વધુ વરસાદ વ્યારા, માંડવી અને પલસાણામાં પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સ્થાનિક વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ બની  હતી.  ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. તાજેતરના સારા એવા વરસાદને પગલે સ્થાનિક નદીઓ, નાળા અને ડેમોમાં નવા નીરની નોંધનીય આવક થઇ છે, જેના કારણે, સ્થાનિક નદીઓ-નાળા છલકાઇ રહ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા, સુરત જિલ્લાના માંડવી અને પલસાણામાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી અને ડાંગ જિલ્લાના વઘઈમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૦ તાલુકામાં બે-ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. સ્થાનિક નદી-નાળા, તળાવો-સરોવરો અને ડેમોમાં નવા નીરની ભારે આવક થઇ છે, જેને પગલે તે છલકાતાં તંત્રએ પાણીની સમસ્યાને લઇ રાહત અનુભવી હતી.

જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ : પુરની પરિસ્થિતિ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી મેઘરાજાએ જોરદાર જમાવટી કરી છે અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ખુબ વરસાદ પડી રહ્યો છે. ઓઝત બે કાંઠે વહી રહી છે. ઓઝતના પૂરના પાણી ઘેડ પંથકમાં ફરી વળતાં તેના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ગયું છે. ઘેડનાં લોકો જાણે બેઘર થઇ ગયાં છે. પુરની સ્થિતિ ઓસરતાં ઘેડની વાસ્તવિક સ્થિતિ સામે આવી હતી., આજે પણ ઘેડનાં અનેક ગામડાઓનાં જવાનાં રસ્તે પાણી ભરેલા છે. એટલું જ નહીં ઘેડનાં ગામડાઓમાં ગોઠણ-ગોઠણ સુધી પાણી છે. ઓઝત, ઉબેણ, મધુવંતી, સાબલી નદીના પાણીએ જાણે સમગ્ર ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યું હતું. તો કેશોદ, માણાવદર, માંગરોળના ૨૪ જેટલા ગામોમાં પૂરની સ્થિતિ બની છે. પૂરને લઇ કેશોદ, માંગરોળ અને માણાવદરનાં અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ છે. કેશોદનાં બામણાશા, મધડા, મુળીયાસા, અખોદર, સરોડ, પાડોદર, પંચાળા, બાલાગામ, બાંટવાનાં કડેગી, અમીપુર, ઘેડ બગસરા, હંટરપુર, ફુલેરા સહિતનાં ગામોમાં પાણી ભરેલા છે. આ ગામો બે દિવસથી સંપર્ક વિહોણા છે. ઓઝત, મધુવંતી, ઉબેણ, સાબલી નદીના પૂરના પાણીએ ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યો છે. ઘરોમાં પાણી ભરેલા હોય લોકોએ છતનો આશરો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘેડનાં ૨૪ ગામના લોકો આપત્તિજનક સ્થિતિમાં જીવી રહ્યા છે. જેમાંથી ૧૦ ગામો તો હજુ સંપર્ક વિહોણા છે. આ વિસ્તારમાં હજુ ગોઠણડુબ પાણી ભરેલા છે.

ઘેડનાં ગામડાઓનાં ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઇ લોકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને બિમાર, અશકત, વૃધ્ધોની હાલત દયનીય બની રહી છે. મગફળીનાં ખેતરોમાં ગોઠણસુધી પાણી પાણી ભરાઇ ગયાં હોઇ આ પંથકમાં મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. તો, મુંગા પશુઓની હાલત

કફોડી બની છે. ત્યારે પશુ માલિકો સંઘર્ષ કરી રહ્યાં છે. ઘેડનાં માર્ગો પર હાલ વાહન વ્યવહાર બંધ છે. લોકો ઉંટગાડીનો સહારો લઇ રહ્યાં છે. હાલ અહીં અન્ય વાહન ચાલી શકે તેમ નથી. ઘેડનાં અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરેલા છે. લોકો ગોઠણડુબ પાણીમાં અવર-જવર કરી રહ્યાં છે. પાડોદરથી બામણાસા, બામણાસાથી મંડોદરા, સરોડ થી બામણાસા, આખાથી બામણાસા, અખોદરથી પાડોદર, પંચાળાથી અખોદર, અખોદર જવાનાં રસ્તાઓ બંધ છે. જેમાં પાણી ઓસરવાનું નામ લેતું નથી. તેમાં પણ અખોદર અને બામણાસા, સરોડ સંપર્ક વિહોણા બન્યાં છે.

ગુજરાત : ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

સમગ્ર ગુજરાત રાજયમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદની સારી કૃપા વરસી રહી છે ત્યારે રાજયના જળાશયોમાં પણ નોંધપાત્ર આવક સાથે ઘણા જળાશયો છલકાયા છે, તો તેના કારણે રાજયમાં પાણીની ચિંતા હલ થઇ ગઇ છે. ખુદ સરકાર અને તંત્ર દ્વારા આ વર્ષના વરસાદને લઇ ભારે રાહત અનુભવાઇ છે કારણ કે, તેમના માટે પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. રાજ્યમાં સરેરાશ ૧૧૯ ટકા વરસાદથી ૮૫ જળાશયો છલકાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૬ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તેમજ ૨૬ જિલ્લામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજ ૧૩ સપ્ટેમ્બરે સવારે ૬ કલાક સુધીમાં સરદાર સરોવરમાં હાલમાં ૯૫.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે. આ સાથે રાજ્યના ૬૮ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૭ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે ભરાયા છે.

જ્યારે ૧૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે.

રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વ્યારા, માંડવી, પલસાણા, ચોર્યાસી, વઘઇ, નવસારી, વાલોદ, આહવા, સુરત શહેર, વાંસદા, સુબીર, વંથલી, ઝાલોદ, બારડોલી અને રાણાવાવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં હાલમાં પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના ૮૩.૭૫ ટકા છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૪.૩૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૬૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૩૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૦૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૨.૭૮ ટકા પાણીનો સંગ્રહ છે.

નર્મદા બંધ ઓવરફ્‌લો થાય તો સેંકડો ગામો ઉપર આફત

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવર ફ્‌લો થવાની તૈયારીમાં છે, ત્યારે ગુજરાત સરકાર તેની ઉજવણીની તૈયારી કરી રહી છે. બીજીબાજુ, જો નર્મદા ડેમ ઓવરફલો થાય તો, નર્મદાના કાંઠે આવેલા મધ્ય પ્રદેશ અને ગુજરાતના ૨૫૦ જેટલા ગામોમાં નર્મદાના પૂરના પાણી ફળવાની ગંભીર દહેશત પ્રવર્તી રહી છે, તેને લઇ હવે તંત્ર એકદમ હાઇએલર્ટ પર આવી ગયું છે. હાલ નર્મદા ડેમ ૧૩૭.૬૮ મીટરની સપાટી વટાવી ચૂક્યો છે અને ઓવરફલો થવામાં હવે એક જ મીટરની સપાટી બાકી રહી છે ત્યારે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના ૪૦થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે. ડેમ ઓવરફલો થાય તે પહેલાની પરિસ્થિતિમાં જ ભરૂચ-નર્મદા જિલ્લાના ૧૪૪ ગામોના છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના પણ ૧૦૦થી વધુ ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. આમ જો નર્મદા બંધ ઓવર ફ્‌લો થાય તો ગુજરાત અને મધ્યપ્રદેશના નર્મદા કાંઠાના ૨૫૦ જેટલા ગામોની સ્થિતિ વણસી શકે છે. દરમ્યાન નર્મદા ડેમ ૧૩૮ મીટરની સપાટી સુધી ભરવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકાર છે,જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે. મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું નથી અને વિસ્થાપિતોને ખસેડ્‌યા પણ નથી. કોંગ્રેસ પહેલેથી જ નર્મદા ડેમ વિરોધી છે. નર્મદા ડેમમાં આજે પણ પાણીની સતત આવકને પગલે ડેમની જળસપાટી ૧૩૭.૬૮ મીટરને વટાવી ગઇ હતી

અને ઓવરફલો થવામાં હવે માત્ર એક મીટર જ સપાટી બાકી રહી છે, જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ખાસ કરીને, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંકટ ઉભુ થયું છે. જેથી કાંઠા વિસ્તારોના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. જેને પગલે લોકો હાલ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. નર્મદા ડેમ ઓવરફ્‌લોથી એક મીટર જ દૂર છે. જેની સીધી અસર મધ્ય પ્રદેશ અને ગુજરાતના ગામડાઓ પર પડી રહી છે અને ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૪૪ જેટલા ગામો પર સંકટ સર્જાયુ છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓમાંથી અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના ૧૦૦થી વધુ ગામડાઓમાં સરદાર સરોવર બંધનું પાણી ઘુસી ગયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦માંથી ૨૩ સર્વિસ દરવાજા છે, જેની સાઇઝ ૩૦ બાય ૫૫ મીટર છે. જ્યારે બીજા ૭ દરવાજા ઇમર્જન્સી દરવાજા છે. જે સંકટ સમયે ખોલવામાં આવે છે. જેની સાઇઝ ૩૦ બાય ૬૦ મીટર છે. આ સાત દરવાજા જો વધારે માત્રામાં પાણી આવે અને ડેમને નુકસાન થાય તેવુ હોય તો જ ખોલવામાં આવે છે. પરિસ્થિતિ વિકટ બને વધારે પાણી આવે તો જ ઇમર્જન્સી ગેટ ખોલવામાં આવે છે. જેને પગલે આજે એક ઈમર્જન્સી સહિત કુલ ૨૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા મુખ્ય કેનાલની ૪૦ હજાર ક્યૂસેકની કેપેસિટી છે, જો ડેમ સંપૂર્ણપણે ભરાઇ જાય તો ૪૦ હજાર ક્સૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે અને કેનાલ મારફતે સાબરમતી સહિતની નદીઓ, ડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમના ઉપરવાસમાં ઇન્દિરાસાગર, મહેશ્વર, ઓમકારેશ્વર, તવા, હોસંગાબાદ અને બડવાણી સહિતના ડેમો આવેલા છે. આ તમામ મહત્તમ સપાટી પર પહોંચી ચૂક્યા છે. દરવાજા કેટલો સમય ખુલ્લા રહે તેનો આધાર મધ્યપ્રદેશમાં પડનારા વરસાદ પર છે. હાલની પરિસ્થિતિમાં ચોમાસાની સિઝન પૂર્ણ થતા સુધી ડેમ ઓવરફ્‌લો થતો રહેશે. નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા બાદ પણ ઓવરફ્‌લો થતો રહે તો નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા ૧૪૪ અને મધ્યપ્રદેશના ૧૦૦ જેટલા ગામો અસરગ્રસ્ત બનશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની પુનઃ વસવાટ એજન્સીની બોટો હાલ કિનારાના ગામોને નુકસાન ન થાય તે માટે કેવડિયા ખાતે પેટ્રોલિંગ કરી રહી છે અને એજન્સી નર્મદા ડેમની સ્થિતિ અંગે માહિતી મહારાષ્ટ્ર અને એમપીની સરકારને આપી રહી છે.

Previous articleનર્મદા નીર વધામણા, મહા આરતી કાર્યક્રમો ઉપર ચર્ચા
Next articleજીવનના દરવાજે મૃત્યુના ટકોરા!