પાટણઃ ખાળકુવો બન્યો મોતનો કુવો, એક જ પરિવારના ૫ લોકોના દટાઈ જવાથી મોત

969

પાટણ જીલ્લામાં એક જ પરિવાર પર મોટી આફત આવી પડી. ઘરની બહાર બનાવવામાં આવી રહેલો કુવો આ પરિવાર માટે મોતનો કુવો સાબિત થયો છે. એક વ્યક્તિને બચાવવા જતા પાંચ લોકોએ જીવ ગુમાવવો પડ્‌યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જીલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામમાં એક ઘરની બહાર શૌચાલય માટે ખાળ કુવો બનાવવામાં આવી રહ્યો હતો, આ સમયે એક મહિલા વરસાદના કારણે જમીન પોચી થઈ ગઈ હોવાથી કુવાની અંદર ખાબક્યા, તેમને બચાવવા માટે તેમના પતિ કુદ્યા અને બાદમાં પરિવારના અન્ય ત્રણ લોકો પણ પણ બચાવવા માટે કુવામાં ઉતર્યા આ સમયે જ કુવાની માટી ઢસી પડી અને પાંચે લોકો કુવાની અંદર માટીમાં દટાઈ ગયા.

આ ઘટનાની જાણ થતા તુરંત ગ્રામજનો ભેગા થઈ ગયા અને તેમને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા, અને માટીમાં દટાયેલા લોકોને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા. અને ૧૦૮ની મદદથી તત્કાલીન સારવાર માટે સમી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે, આ પહેલા જ માટીમાં દટાઈ જવાથી પાંચ લોકોએ દમ તોડી દીધો હતો, જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, તમામ લોકો સમીના ગુજરવાડા ગામના જ રહેવાસી હતા, જેમાં સિંધવ રતાભાઈ જલાભાઈ ચેહાભાઈ(૪૧), રતાભાઈ જલાભાઈ દેવાભાઈ સિંઘવ(૪૯), રંજનબેન રતાભાઈ સિંધવ(૪૦), રાજાભાઈ પચાણભાઈ સિંધવ(૬૦), અજાબાઈ ગગજીભાઈ સિંધવ(૪૫)નું મોત નિપજ્યું છે, જ્યારે જામાભાઈ ગગજીભાઈ સિંધવની સારવાર ચાલી રહી છે. હાલમાં તમામ મૃતકોની લાસને પીએમ માટે સમી સામુહિક કેન્દ્ર ખાસે લઈ જવામાં આવી છે. આ ઘટના બાદ પાંચ લોકોના મોતના સમાચાર આ પરિવારના પાડોશમાં રહેતા એક બહેનને થતા આઘાતમાં તેમનું પણ મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે. તમામ મૃતક ગુજરવાડાના નાડોદા સમાજના હતા.

Previous articleનારાયણ સાંઇ દુષ્કર્મ કેસ : હાઇકોર્ટે નારાયણ સાંઈની અપીલ દાખલ કરી
Next articleવેરાવળ, દિવ સહિતના અનેક પંથકમાં હજુ વરસાદી માહોલ