રોજગાર મેળો : સેંકડો યુવક, યુવતીઓ ઉત્સુકતાથી જોડાયા

448

ગુજરાત યુનિવર્સિટીના સેનેટહોલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે ૧૮ સપ્ટેમ્બરના રોજ આઈટી સ્નાતક અનુસ્નાતક યુવાન-યુવતીઓ માટે ખાસ રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળાનું ઉદઘાટન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડા. હીમાશુ પંડ્યાએ કર્યું હતું. આ પ્રસંગે ઉપકુલપતિ ડા. જગદીશ ભાવસાર, મદદનીશ રોજગાર નિયામક એસઆર વિજયવર્ગીય, ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ ઓફીસર કિંજલબેન દેસાઈ સહિત અધિકારીઓ, અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ રોજગાર મેળાના પ્રારંભે એસઆર વિજયવર્ગીય દ્વારા રોજગાર માટે ઉપલબ્ધ તકો અને રાજ્યસરકારના હકારાત્મક પ્રયાસોથી યુવાનોને અવગત કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડા. જગદીશ ભાવસારે યુવાનોને તક ઝડપીને ધ્યેયમાર્ગ પર મક્કમતાથી આગળ વધવા અને કર્મશીલ બચવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડા. હીમાંશુભાઈ પંડ્યાએ યુવાનોને આગવી ઓળખ બનાવવા માટે અપીલ કરી હતી. યુવાનોના દેશમાં યુવાનો માટે તકોનો વિશાળ ભંડાર પડ્યો છે. તેને ઝડપીને આગળ વધવા કટિબધ્ધ થવાં જણાવ્યું હતું. આજરોજ યોજાયેલા રોજગાર મેળામાં ૩૫૪ છોકરાઓ અને ૨૨૨ છોકરીઓ મળીને ૫૭૬ જેટલા નોકરી મેળવવા માંગતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

૨૦ જેટલી આઈટી કંપની અને તેના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ૨ લાખથી ૬ લાખની વાર્ષિક આવક યુવાનોને ઓફર કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ૨૪ સપ્ટેમ્બરના રોજ આનાથી વધારે મોટો રોજગાર મેળો નોકરી મેળવવા માંગતા યુવાનો માટે યોજાનાર છે. દરમિયાન રાજ્યના યુવાઓને રોજગારી પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે યુવાઓ માટે રાજ્યવ્યાપી ભરતી મેળા પખવાડિયાનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે એમ, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જણાવાયું છે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાનાર આ સમારોહ આજે તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દ્વારકા હૉલ, સ્વર્ણિમ સંકુલ-ર, ગાંધીનગર ખાતે યોજાશે. આ વેળાએ મહાનુભાવોના હસ્તે નવનિર્મિત નવીન ૨૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો ઇ-લોકાર્પણ સમારોહ યોજાશે તથા મુખ્યમંત્રી આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે.  શ્રમ નિયામક કચેરી હસ્તકની અને નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની મોબાઇલ એપ્લીકેશનું લોન્ચીંગ પણ કરાશે. ઉપરાંત રોજગાર અને તાલીમ ખાતામાં નિયુક્તિ પામેલ આચાર્ય વર્ગ-રના યુવાઓને શુભેચ્છાપત્ર એનાયત કરાશે. આઇ.ટી.આઇ.ની સુવિધા સહયોગ બદલ ઉદ્યોગ ગૃહોમાં પ્રશસ્તિપત્ર તથા આઇ.આઇ.ટી.માં તાલીમ માટે પસંદગી થવા બદલ પણ પ્રશસ્તિપત્ર એનાયત કરાશે એમ વધુમાં જણાવાયું છે.

Previous articleગુજરાતમાં ૧૫મી ઓક્ટો. સુધી ટ્રાફિકના નવા નિયમો મોકૂફ
Next articleમોનિશ હત્યા બાદ પિસ્તોલને બોર્ડ પાછળ સંતાડી દેતો હતો