કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેમ પછી ફેસબુકે આશરે ૪૦૦ ડેવલપર્સથી જોડાયેલી હજારો એપને સસ્પેન્ડ કરી છે. ફેસબુકે શંકાને આધારે હજુ પણ કેટલીક એપ પર તપાસ ચાલુ રાખી છે. ફેસબુકે તેના બ્લોગ પોસ્ટમાં શુક્રવારે જણાવ્યું કે ’સસ્પેન્ડ કરાયેલ એપ ટેસ્ટિંગ ફેઝમાં હતી અને કેટલીક એપ કામ પણ કરતી ન હતી, તેથી એપને સસ્પેન્ડ કરવામાં આવી છે.’
ફેસબુકે એક અન્ય પોસ્ટમાં જણાવ્યું કે ’કેટલાક ડેવલપર્સે અમારી તપાસમાં કોઈ જવાબ આપ્યો ન હતો, જેથી તેમની એપને સસ્પેન્ડ કરવામાં આવી છે.’ કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેમ પછી ફેસબુકે માર્ચ ૨૦૧૮થી એપ ડેવલપર ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. ફેસબુકે જણાવ્યું કે ’એપ ડેવલપર ઇન્વેસ્ટિગેશન પૂરું નથી થયું. અત્યાર સુધીમાં લાખો એપની તપાસ કરવામાં આવી છે.’ કંપની મુજબ, ફેસબુકે ડેટાને અયોગ્ય રીતે શેર કરવા, લોકોની ઓળખને સુરક્ષિત કર્યા વિના ડેટાને જાહેરમાં ઉપલબ્ધ કરવા માટે આ એપ્સ ને સસ્પેન્ડ કરી છે.
ફેસબુકની તપાસમાં સહયોગ ન આપવા બદલ ફેસબુકે ગત મે મહિનામાં સાઉથ કોરિયન ડેટા એનાલિટિક્સ કંપની ‘રેંકવેવ’ વિરુદ્ધ કેસ કર્યો હતો. ફેસબુકે મોટી માત્રામાં એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ એપીઆઈ ને પણ દૂર કરી છે, આ ચેનલોથી ડેવલપર્સ વિવિધ પ્રકારના ડેટાનો એક્સેસ કરે છે. આ તમામ એવા એપીઆઈ હતા જેનો ઉપયોગ છેલ્લા ૯૦ દિવસથી બંધ હતો.



















