અલ્પેશ માટે કપરા ચઢાણઃ ઠાકોર સેના અપક્ષ ઉમેદવારી કરી  મગનજી ઠાકોરને ટેકો આપશે

1059

કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર અલ્પેશ ઠાકોરને કોઈપણ સંજોગોમાં હરાવવો એ એકમાત્ર લક્ષ્ય હાલ ગુજરાત કોંગ્રેસ રાખી રહી છે. રાધનપુર બેઠક પર ભાજપ જો અલ્પેશ ઠાકોરને ટીકીટ આપશે, તો કોંગ્રેસ પોતાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને અલ્પેશ સામે ચૂંટણી લડાવશે. જોકે હાલ રાધનપુર બેઠકની ચૂંટણી જાહેર નથી થઈ પરંતું કોંગ્રેસ દ્વારા અલ્પેશને હરાવવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

રાધનપુરમાં પેટાચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજના લોકો આવી ગયા છે. સાંતલપુરના કોરડા ગામે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતાં. ભાજપ કાર્યકર અને પૂર્વ ઠાકોર સેનાના પ્રમુખ મગનજી ઠાકોરના સમર્થનમાં લોક ભેગા થયા હતાં. આ બેઠકમાં મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર નોંધાવવા ઠાકોર સમાજે ટેકો આપ્યો છે. આમ જો મગનજી ઠાકોર અપક્ષ ઉમેદવારી કરે તો અલ્પેશ ઠાકોરને ફટકો પડી શકે છે. તમને જણાવી દઇએ કે, રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ઠાકોર સમાજનું વધુ પ્રભુત્વ છે. આમ રાઘનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજ હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.

ભારતના મુખ્ય ચૂંટણી પંચે રાધનપુર અને બાયડમાં પેટાચૂંટણી જાહેર ન કરતા કોંગ્રેસથી ભાજપમાં ઉતરેલા પેરાશુટરોના જીવ અધ્ધર લટક્યા છે. વિધાનસભામાં ખાલી પડેલી ૯ પૈકી બેને બાદ કરતા ૭ બેઠકો પેટાચૂંટણી યોજાઈ શકે તેમ હોવા છતાંયે ચૂંટણી પંચે શનિવારે માત્ર ચાર બેઠકો માટે જ કાર્યક્રમ જાહેર કર્યો છે. જેના કારણે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર, બાયડમાં ધવલસિંહ ઝાલાના મનસુબા પર બ્રેક વાગી છે. મોરવા હડફ સહિત ત્રણ બેઠકો માટે ઝારખંડની સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

Previous articleદર્પણ છ રસ્તા પર કાર ચાલકે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ : ચાલક ઘાયલ
Next articleવડાપ્રધાન મોદીના જન્મદિને રાજ્યમાં ૨૫,૨૫૨ મા કાર્ડ, ૪૬,૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ