રંગમોહન યુવા મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

285

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસ ચાલેલા આંતરકોલેજ યુવક મહોત્સવ ‘રંગમોહન યુવા મહોત્સવ ૨૦૧૯’ નો રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર એ ગુજરાતની આર્થિક રાજધાની છે એમ ભાવનગર એ ગુજરાતની કલાની રાજધાની છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ સંદર્ભે કાર્યક્રમને અપાયેલ રંગમોહન નામ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે એક મોહને વિશ્વને ગીત આપી તો બીજા મોહને સત્યાગ્રહ અને અહિંસાના પાઠ શીખવ્યા. વધુમા મંત્રીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા ખૂબ મહેનત કરી, એક સમયે જ્યારે ગુજરાતમાં નવ યુનિવર્સીટી હતી તે આજે સિત્તેર છે. લો યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, તેમજ એશિયામાં એક માત્ર એવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વડાપ્રધાનના પ્રયત્નોથી ગુજરાતને મળી. યુવા મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ સ્પર્ધકોને રાજ્યમંત્રીએ પ્રમાણપત્ર તેમજ મેડલ એનાયત કર્યા હતા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ યુવાનો પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહોત્સવમાં જાણીતા સાહિત્યકાર મેરામણભાઇ ગઢવી, હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા, યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડા શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલ, કુલ સચિવ કૌશિકભાઈ ભટ્ટ, આચાર્યઓ, પ્રાધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આતંર કોલેજ યુનિવર્સિટી મહોત્સવ રંગમહોનનો સમાપન સમારોહમાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોનું અભિવાદન કરેલ. જેમાં રંગમોહન-ર૦૧૯ના જનરલ ચેમ્પીયન તરીકે ધી. કે.પી.ઈ.એસ કોલેજ અને જનરલ રનર્સઅપ તરીકે સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિજેતા જાહેર થઈ હતી.