પુર-વરસાદથી ૧૪ રાજ્યોમાં ૧૬૮૫થી વધુના મોત

339

બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યો પુર અને ભારે વરસાદના કારણે હજુ પણ મુશ્કેલીમાં છે. જનજીવન ખોરવાયેલુ છે. આવી સ્થિતીમાં બચાવ અને રાહત ટુકડીઓ સક્રિય થયેલી છે. દેશમાં આ વર્ષે મોનસુની વરસાદના સમયમાં વધારો થવાના કારણે ૧૪ રાજ્યોમાં ૧૬૮૫ લોકોના મોત થઇ ચુક્યા છે. એટલુ જ નહીં બલ્કે સેંકડોની સંખ્યામાં લોકો લાપતા થયેલા છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. લાંબા મોનસુનના કારણે ૧૪ રાજ્યોમાં પુર અને વરસાદના કારણે હજુ સુધી ૧૬૮૫ લોકોના મોત થઇ ચુક્યા છે. સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા ૨૫ વર્ષમાં હજુ સુધી સૌથી વધારે મોનસુની વરસાદ થયો છે. જેના કારણે ૨૭૭ જિલ્લામાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના ડિઝાટર મેનેજમેન્ટ વિભાગના આંકડા દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. ત્યારબાદ બંગાળમાં પણ ભારે તબાહી થઇ છે. બંગાળમાં ૨૨૫ અને મધ્યપ્રદેશમાં ૧૮૦ લોકોના મોત થયા છે. બિહારમાં વરસાદમાં બ્રેક  ુુમુકાતા હવે જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. જો કે કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે. ચારેબાજુ ગંદકી અને કાદવ કિચડ જોવા મળે છે. જેથી રોગચાળો ફેલાવવા માટેનો ખતરો વધી ગયો છે. પટણામાં હજુ પણ ંમોટા ભાગના વિસ્તારો પાણીમાં છે. મોતનો આંકડો ૩૫ સુધી પહોંચી ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રેલ અને પરિવહનની વ્યવસ્થા ઠપ થઈ ચુકી છે. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી સ્થિતિ કોઈના પણ હાથમાં નથી.રાજ્યમાં ૧૪ જિલ્લામાં રેડ એલર્ટ છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. આ બે રાજ્યોમાં મળીને ૧૨૫થી વધુના મોત થઇ ચુક્યા છે. બંને રાજ્યોમાં સ્થિતિમાં હાલ સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાજેન્દ્રનગર અને પાટલીપુત્ર કોલોની જેવા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હોસ્પિટલો, દુકાનો, બજારો જળબંબાકાર થયા છે.પટણાના અનેક વિસ્તારોમાં આઠ ફુટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ ડુબી ગઈ છે. બચાવ અને રાહતકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગંગા અને ગંડક નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સ્કુલો અને કોલેજોને બંધ રાખવાની ફરજ પડી રહી છે. લોકોના કમર સુધી પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ મુશ્કેલમાં મુકાયેલા લોકોને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે.  હંમેશા ભરચક રહેતા પટણાના માર્કેટમાં સન્નાટો ફેલાઈ ગયો છે. નાલંદા મેડિકલ કોલેજમાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી દર્દીઓની સાથે સાથે અન્યોને પણ તકલીફ થઇ રહી છે. બિહારમાં એનડીઆરએફની ૧૯ ટીમો સક્રિય છે. ૧૪ જિલ્લામાં સક્રિય થયેલી છે. રાજેન્દ્રનગરમાં પાંચ ફુટ સુધી પાણી ભરાઇ ગયા છે. ચાર હજારથી વધારે લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ, બાળકો, દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદના કારણે સૌથી વધારે નુકસાન રાજેન્દ્ર નગરમાં થયુ છે. કેટલાક વિસ્તારમાં હાલત હજુ ખરાબ છે.બિહારમાં મોનસુનની સિઝનમાં હજુ સુધી ૧૩૦ અને કર્ણાટકમાં ૧૦૫ લોકોના મોત થયા છે. સાથે સાથે ગુજરાતમાં ૧૫૦ લોકોના મોત થઇ ચુક્યા છે. આશરે ૨૨ લાખ લોકોને પુરના કારણે પ્રતિકુળ અસર થયેલી છે. ઘણી જગ્યાએ ભારે હાહાકારની સ્થિતી છે.

Previous articleનીતિશ ઉપર પુરની સ્થિતિને લઇ ભાજપના આકરા પ્રહાર
Next articleખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી પાક વીમાની રકમ ચૂકવોઃ ધાનાણી