મોટાભાગની સીટ પર કોંગ્રેસ ડિપોઝિટ ગુમાવશે : નિરુપમ

346

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણ ચરમસીમા પર પહોંચી ચુકી છે. કોંગ્રેસ માટે સમસ્યા વધી રહી છે. મુંબઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય નિરુપમે આજે મીડિયાની સામે આવીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ખડગે સહિત પાર્ટીના મોટા નેતાઓ ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સાથે આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધી અને તેમના નજીકના લોકોની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા નિરુપમે ટિકિટ વહેંચણીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ત્રણથી ચાર બેઠકોને બાદ કરતા તમામ સીટો ઉપર હારી જશે. તમામ સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તેમની ડિપોઝિટ ગુમાવી દેશે. ખડગે ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તેમના દ્વારા નક્કી કરવામાં આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તેમને એમ પણ કહ્યું હતું કે, જો ભુલો નહીં સુધારવામાં આવે તો પાર્ટી બરબાદ થઈ જશે. તેમને એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં સિસ્ટમૈટિક ફોલ્ટની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જો આમાથી બહાર નીકળીશું નહીં તો પાર્ટી બરબાદ થઈ જશે. સમગ્ર મુંબઈમાં એક મુસ્લિમ ઉમેદવાર રહે તે જરૂરી છે. રાહુલ સાથે જોડાયેલા લોકો ઉપર પ્રહાર કર્યા હતા. નિરુપમે કહ્યું કે, સોનિયા ગાંધી સાથે જોડાયેલા લોકો કાવતરું ઘડી રહ્યાં છે. કોંગ્રેસના ચાપલૂસોથી સાવધાન રહેવું પડશે. જો આવા લોકોને મહત્વ આપશો તો પાર્ટીની સ્થિતી વધારે ખરાબ બની જશે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી છે કે હાલ તે પાર્ટી છોડી રહ્યાં નથી. નિરુપમે કહ્યું કે, દુઃખ સહન કરવાની ક્ષમતા સુધી કોંગ્રેસમાં રહીશ. નિરુપમે કહ્યું કે, છેલ્લે મારા અંદર સહન કરવાની કેટલી ક્ષમતા છે? કોંગ્રેસના આખા મોડલમાં જ ખામી છે. રાહુલ ગાંધી સાથે જોડાયેલા નેતાઓને અલગ કરી નાંખ્યા. દિલ્હીમાં બેસેલા લોકો સમજી ન શક્યા, પાર્ટીમાં યોગ્ય લોકો સાથે ન્યાય કરવામાં જ ન આવ્યો. લાગે છે કે તેમને હવે સંઘર્ષ કરનારાઓની જરૂર જ નથી. કોઈ ઉમેદવારને ટિકિટ પાર્ટી પહેલા દરેક પાર્ટી તેનો ફીડબેક લે છે પરંતુ અહીં કોઈ પણ વાત માટે મારા મંતવ્ય વિશે પુછાયું ન હતું.  આ પહેલા ગુરુવારે નિરુપમે ટ્‌વીટર દ્વારા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તે ટિકિટ વિતરણ અંગે કોંગ્રેસ હાઈ કમાન્ડથી સખત નારાજ છે. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે પાર્ટીને હવે મારી સેવાની જરૂર નથી. મુંબઈમાં મેં વિધાનસભા ચૂંટણી માટે ફક્ત એક જ નામની ભલામણ કરી હતી. પણ તેને પણ ફગાવી દેવાયું. મેં પહેલા જ કહ્યું હતું કે જો આવું ને આવું ચાલશે તો હું પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લવ. આ મારો છેલ્લો નિર્ણય છે. બીજા ટ્‌વીટમાં તેમણે લખ્યું કે, મને આશા છે કે પાર્ટીને ગુડ બાય કહેવાનો સમય નહીં આવે પરંતુ લીડરશીપ જે પ્રકારે મારી સાથે વર્તન કરી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે હવે તે દિવસો દૂર નથી.  છેલ્લા ઘણા દિવસો દરમિયાન મુંબઈ કોંગ્રેસના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. જેમાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને કૃપાશંકર જેવા મોટા નામ સામેલ છે. સંજયની છાપ ઉત્તર ભારતીય નેતાની છે. બિહાર સાથે સંબંધ રાખનારા સંજયે રાજકારણની શરૂઆત શિવસેનામાંથી કરી હતી.

Previous articleબિહાર પુર તાંડવ : પટણાના ભાગ હજુય પાણીમાં ગરકાવ
Next articleરાજકુમાર રાવ અને મૌની રોય સાથે સનેડો