કલોલ તાલુકાનાં રામનગર ખાતે ગ્રીન મિશન પ્રોજેકટનો શુભારંભ

473

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં રામનગર ખાતે  ‘મિશન ગ્રીન રામનગર પોજેકટ’નો શુભારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં પર્યાવરણનું જતન કરવું તે અત્યંત અનિવાર્ય છે ત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમ થકી રાજ્યના નાગરિકો સક્રિય સહયોગ આપે તે અત્યંત અનિવાર્ય છે.

ગ્લોબલ ર્વોમિંગની વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે તેમાં જનભાગીદારી જોડાય તો ચોક્કસ વન સંપદામાં વધારો થાય.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મિશન ગ્રીન રામનગર પ્રોજેકટનો શુભારંભ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારની મદદથી તો વિકાસના કાર્યો સૌ કોઇ કરે પણ પોતાના પૈસા, પોતાની જમીન અને પોતાના માટે વૃક્ષારોપણ કરી પર્યાવરણ ઉભુ કરનાર રામનગર ગામ પ્રથમ છે. જે અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જમીનનું દાન કરનાર દાતાઓનું સન્માન કરતાં જણાવ્યું કે સ્વની વિચારધારાને ત્યાગી સમાજનો વિચાર કરવાવાળા રામનગરનાં ખેડૂતોમાંથી શીખ લેવા જેવી છે. તેમણે શ્રેષ્ઠીદાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરતા જણાવ્યું કે, રામનગર જેવા નાના ગામે ગ્રીન રામનગર બનાવવાની શરૂઆત કરી છે. જે સમગ્ર સમાજ માટે દિશા સૂચક છે.

ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી વણાયેલ વૃક્ષવંદના ભૂલાઇ જવાથી પર્યાવરણના આવરણને આપણે જાતે જ દુષિત કર્યુ છે. ઉદ્યોગો, વાહનો, કોલ્ડ સ્ટોરેજ, એર કંડીશન જેવા વિકાસથી હવા પ્રદુષિત થઇ છે ત્યારે પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે.

પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્લાસ્ટિક મુકત ભારતનો સંકલ્પ લેવડાવીને પર્યાવરણ બચાવવા હાકલ કરી છે ત્યારે ગુજરાત સરકારે અલાયદો કલાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને ગ્રીન આવરણ બનાવવા કમર કસી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ ખાતેના સરપંચ સંમેલનમાં  વડાપ્રધાનશ્રીએ ખુલ્લામાં શૌચ મુકત ગામનો શપથ લેવડાવી સ્વચ્છ ગ્રામીણ ભારત અંતર્ગત સ્વચ્છતાની સાથેસાથે સ્વચ્છ નદીઓ, સ્વચ્છ તળાવો, સ્વચ્છ સરોવરો સ્વચ્છતા હી સેવા શ્રમદાન દ્વારા જનભાગીદારીથી તમામ શહેરો, ગામો, તાલુકા, જિલ્લા, રાજયો અને સમગ્ર ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુકત બનાવાશે. તેમણે આ મિશનમાં ઉપયોગમાં લેવાતા જરૂરી સાધનો, ટ્રેકટર અને ટ્રોલી મેળવવા ટી.ડી.ઓ. મારફત દરખાસ્ત કરવા સરપંચને જણાવ્યું હતું. અંતમાં  નીતિનભાઇ પટેલે નવનિર્મિત ઉમિયાવાડીમાં ઉમિયામાતાજીના મંદિરમાં દર્શન કર્યા હતાં.  ગ્રીન મિશન રામનગરના પ્રણેતા અને કાર્યકર્તા લાલભાઇ અને ગામનાં યુવાનોના શ્રમદાન કાર્યની સફળતાને બિરદાવતા જણાવ્યું કે, યુવાનોની ઉર્જા કોઇ પણ કાર્ય કરવા સક્ષમ છે. તેમણે પ્રગતિશીલ રામનગરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ ગામનાં કર્મઠ ઉપસરપંચ ગાંડાભાઇ અને મહિલા સરપંચ કોકિલાબેનને અભિનંદન પઠવ્યા હતાં.    આ પ્રસંગે ઉમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલ, જિલ્લા વનસંરક્ષક  એસ.એમ. ડામોર, ગામના અગ્રણી  ગાવિંદભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ  નૈનેષભાઇ, પૂર્વ ધારાસભ્ય  અતુલભાઇ પટેલ, ઇફકોના જનરલ મેનેજર  ઇમાનદાર, જાણીતા ડૉ. જયેશભાઇ, કલોલ નગરપાલિકાના પ્રમુખ  મહેન્દ્રભાઇ બાબરિયાએ પ્રાસંગિક પ્રવચનો કરી ગામનાં યુવાનોને ગ્રીન મિશન રામનગર માટે પ્રોત્સાહિત કર્યા હતાં.  આ પ્રસંગે આજુબાજુના ગામનાં અગ્રણીઓ અને સમગ્ર રામનગરનાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Previous articleરાજ્યભરમાં આજે રાવણદહનના કાર્યક્રમ યોજાશે
Next articleકચ્છ દરિયાઇ સરહદની નજીક ૫ાંચ કરોડના ડ્રગ્સ પેકેટ કબજે