ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા. વૃષ્ટિ-શિવમને ઉ. ભારતમાંથી શોધી કાઢ્યા

347

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલાં ગાયબ થયેલી વૃષ્ટિ અને તેના બોયફ્રેન્ડ શિવમની ભાળ મળી ગઈ છે. એક અઠવાડિયા સુધી સતત શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર ભારતના એક સ્થળેથી બંનેને શોધી કાઢ્યા છે. અત્યારે આ બંને જણા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસે છે અને તેઓ બંનેને લઈને અમદાવાદ પરત આવવા રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચી ચૂક્યો છે અને તેના લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે આ કેસમાં ઘણો ગૂંડવાડો ઊભો થયો હતો.ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અજય તોમરે જણાવ્યું હતું કે શિવમ અને વૃષ્ટિ મળી આવ્યા છે. આજે પ્રેસ કરી અને વિગતવાર માહિતી આપવામાં આવશે. અગાઉ ક્રાઈમબ્રાન્ચ ડીસીપી દીપેન ભદ્રે કહ્યું હતું કે, વૃષ્ટિ અને શિવમ સહી સલામત મળી આવ્યા છે. ક્યાંથી મળી આવ્યા છે તે મામલે આજે સ્પેશિયલ પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી વિગતવાર માહિતી આપશે. આ સિવાય વધુ વિગતો આપવાનો તેમણે ઈનકાર કરી દીધો હતો. એવું કહેવાય છે કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંનેને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ચૂકી છે.

વૃષ્ટિ ક્યાં છે અને શી સ્થિતિમાં છે તે બાબતે ચાલતી અવઢવ વચ્ચે બે દિવસ પહેલાં જ તેના ઈમેઈલ આઈડી પરથી તેની માતાને એક ઈમેલ આવ્યો હતો. આ મેઈલમાં વૃષ્ટિના નામે લખાયેલા મેસેજમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માંગી છે.

તેને નોકરી મળી ગઈ છે અને સહી સલામત હોવાનું જણાવ્યું હતું. જો કે, તે ઈમેલમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. વૃષ્ટિના નામે ઈમેલ મળતા નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઇપી એડ્રેસના આધારે ક્યાંથી ઈમેલ થયો છે તેની તપાસ હાથ ધરી હતી.