કોડિનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ ૬૦૦-૭૦૦ રૂ. જાહેર થતાં ખેડૂતોનો હોબાળો

331

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મગફળી મુદ્દે હોબાળો મચાવતા યાર્ડના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ મગફળીનો ભાવ ૬૦૦-૭૦૦ રૂપિયા જાહેર કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવે મગફળીના ભાવ જાહેર થયા હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે આ વરસે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. એક બાજુ સરકારે મગફળીની ટેકાની ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરી છે અને ૧૦૮૦ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ત્યારે કોડિનાર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી મંગાતા ખેડૂતો રોષે ભરાયા હતા.

રાજકોટમાં મગફળીનો ભાવ ૧૫૦૦ રૂપિયા સુધી પહોંચ્યો હતો ત્યારે મગફળીના ઓછા ભાવ ઉપજતા હોવાના કારણે ગીર સોમનાથના ખેડૂતો રોષે ભરાયા છે. કોડિનાર તાલુકાના ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્શન કરતા યાર્ડનો મુખ્ય પ્રવેશ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.  જો ખેડૂતોને યાર્ડમાં પૂરતા ભાવ ન મળે તો તેમણે ફરજીયાત ટેકાના ભાવે મગફળી આપવી પડે. ખેડૂતોની રજૂઆત છે કે તેમને યોગ્ય ભાવ નથી મળી રહ્યો. એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે બીજી બાજું ખેડૂતોને પૂરતો ભાવ ન મળે તો તેમને નુકશાની જવાની શક્યતા છે.

માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું કહેવું હતું કે મગફળીની ગુણવત્તા નબળી હોવાથી ઓછો ભાવ આવી રહ્યો છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી ત્યારબાદ ઓછામાં ઓછો ૭૫૦ રૂપિયા ભાવે ખેડૂતોને મળે તેવું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન ગુમાવનારાઓને રોજગારી ન મળતા પૂર્વ મુખ્યપ્રધાન મેદાનમાં
Next articleતળાવમાંથી રહસ્યમય સંજોગોમાં ૨ યુવાનનાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી