ઝારખંડ : વિપક્ષના છ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં ઇન

365

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા શાસક પક્ષ ભાજપને વિપક્ષી દળોને મોટો ફટકો આપી દીધો છે. હાલમાં રાજ્યમાં ચૂંટણી માટેની તારીખની જાહેરાત થઇ નથી ત્યારે વિપક્ષી નેતાઓમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવા માટેનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સુખદેવ ભગત સહિત છ ધારાસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી લીધા છે. સુખદેવના ભાજપમાં જવાને લઇને કોંગ્રેસ પાર્ટીને ખુબ મોટો ફટકો પડી ગયો છે. રાંચીમાં મુખ્યમંત્રી રઘુવરદાસની હાજરીમાં તમામ છ વિપક્ષી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા અને મેમ્બરશીપને સ્વીકારી લીધી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુખદેવ ઉપરાંત મનોજ યાદવ, જેએમએમના કૃણાલ સારંગી, જેએમએમના જેપીભાઈ પટેલ, જેએમએમના ચમરા અને ભાનુપ્રતાપ શાહી ભાજપમાં સામેલ થઇ ગયા છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સુખદેવ ભગત અને મનોજ યાદવ પહેલાથી જ ભાજપના રડાર પર હતા. ભગત વર્તમાન પીસીસી ચીફ રામેશ્વર રાવથી નારાજ ચાલી રહ્યા હતા. એમ માનવામાં આવે છે કે, લોકસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ તેઓ નારાજ ચાલી રહ્યા હતા. મનોજ યાદવ પણ ચતરા સીટથી લોકસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા હતા. જેએમએમના સસ્પેન્ડ કરવામાં આવેલા ધારાસભ્ય જેપીભાઈ પટેલ પણ ભાજપમાં સામેલ થયા છે. તેઓએ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી હજુ પણ મોટી સંખ્યામાં વિપક્ષી ધારાસભ્યોને પોતાની છાવણીમાં લાવી શકે છે. પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રઘુવરદાસ હાલમાં જન આશીર્વાદ યાત્રા મારફતે જનસંપર્ક કાર્યક્રમમાં વ્યસ્ત છે.

Previous articleઆઈસીસી રેન્કિંગ : ત્રણેય ફોર્મેટમાં ટોપ-૧૦માં સ્થાન મેળવનાર રોહિત શર્મા ત્રીજો ભારતીય
Next articleકમલેશ હત્યા : હત્યારા દ્વારા ચાકુથી ૧૫ વાર કરાયા હતા