મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની
ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ પણ સર્વ સમાજના ઉત્કર્ષના આગ્રહી હતા ત્યારે
આપણે તેમના વિચારોને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીએ તે સમયની માંગ છે.
અમદાવાદ સ્થિત બહેરા-મુંગા શાળા સોસાયટી સંકુલમાં મહાત્મા ગાંધીજીની ૧પ૦મી
જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં પૂજ્ય બાપુની પ્રતિમાનું મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શકિત-સામર્થ્ય
દિવ્યાંગજનોમાં ઇશ્વરે મુકયા છે ત્યારે આવા દિવ્યાંગોને પણ અન્ય સમાજ વર્ગ જેટલી તકો મળવી
જોઇએ. રાજ્ય સરકાર તેના માટે કાર્યરત છે. દિવ્યાંગ બાળકોના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓને
અપાતી વિદ્યાર્થી દીઠ-પ્રતિમાસ રૂા. ૧૬૦૦/-ની ગ્રાન્ટ વધારીને રૂા. ર૧૦૦/- તાજેતરમાં કરી છે એમ
તેમણે ઉમેર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સામ્યવાદ-મૂડીવાદ સામે ગાંધીવાદ જ ટકયો છે અને
રામરાજ્યની કલ્પના તેઓ હંમેશા કરતા રહ્યા. ‘‘વૈષ્ણવજન’’નું ભજન તેની પ્રતીતિ કરાવે છે. ‘સ્વ’નો
નહી પરંતુ ‘પર’નો વિચાર કરનારા ગાંધીજીના આદર્શો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.અન્યના આંસુ લુછીને જ પરમ સુખ પ્રાપ્ત કરી શકાશે. સૌના સુખે સુખી અને સૌના દુઃખે દુઃખી એ ભાવ જ આપણી વિચારધારા છે ત્યારે આપણે આ સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત બનીએ તેવી
અપિલ તેમણે કરી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગને બદલે દિવ્યાંગ શબ્દ આપ્યો છે તે દ્વારા સમતાયુકત સમાજ નિર્માણની દિશામાં આપણે આગળ વધીએ છીએ. સમાજનો કોઇપણ વર્ગ વિકાસથી વંચિત ન રહી જાય તેની
ચિંતા આપણે કરી છે. રાજ્ય સરકારે સમતુલિત વિકાસના ધ્યેય સાથે દિવ્યાંગજનો-ગરીબો-પીડિતો એમ સૌનો
વિકાસ કરવા પરિણામલક્ષી કામગીરી કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સંસ્થાનું નિર્માણ પૂજ્ય બાપુએ કર્યુ હતું. પૂજ્ય બાપુની ૧પ૦મી જન્મજ્યંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે સંસ્થાએ તેમની પ્રતિમાનું અનાવરણ કરી તેમને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી અર્પી છે. પૂજ્ય બાપુ એ કોઇ વ્યકિત નહી પરંતુ સ્વયં એક સંસ્થા અને વિચાર હતા. સ્વતંત્રતાની સાથેસાથે તેમનામાં સમાજ પરિવર્તનની પણ ખેવના હતી. જે દિવ્યાંગોની સમાજ ચિંતા ન કરે તે સમાજ સ્વયં દિવ્યાંગ લેખાશે. ગાંધીજીના આ વિચારોને મૂર્તિમંત કરીને જ દિવ્યાંગોની સાચી સેવા કરી શકાશે.
દિવ્યાંગ બાળકોના વાલીઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવા વાલીઓને હુંફ
સમાજ-સરકારે આપવી જોઇએ અને એટલે જ દિવ્યાંગ બોર્ડની રચના રાજ્ય સરકારે કરી છે. એમ તેમણે
ઉમેર્યુ હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,
દિવ્યાંગજનોના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અત્યંત હકારાત્મક અભિગમ રાખીને કાર્યરત છે.રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રક્ષણ-શિક્ષણ માટે અનેક પગલાં લેવાયા છે. વર્ષ ર૦૧૯-ર૦ના વર્ષમાં રૂ. ૧૧૪૧ કરોડની જોગવાઇ આ વિભાગ દ્વારા કરાઇ છે. રાજ્યમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે ૧૪૩
સંસ્થાઓ કાર્યરત છે અને તેનો ૧૦,૬પ૦ દિવ્યાંગજનો સીધો લાભ લઇ રહ્યા છે. સાથે સાથે ૭ર૧ દિવ્યાંગોને
રૂા. ૩પ૧ લાખની લગ્ન સહાય, અપાઇ છે, દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ ચાલુ વર્ષે તેમના પુનર્વસન માટે
રૂ. ૧૭ર લાખ મંજૂર કરાયા છે. આવી અનેક યોજનાઓની જાણકારી મંત્રીશ્રીએ આપી હતી. બહેરા-મુંગા શાળા સોસાયટીના પ્રમુખ શ્રી પંકજભાઇ પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધી બાપુએ આ શાળાનો પાયો નાંખ્યો હતો. તેમની ૧પ૦મી જન્મજ્યંતિએ તેમની પ્રતિમાનું સંકુલમાં અનાવરણ કરી પૂજ્યબાપુને સ્મરણાંજલિ અર્પી છે. આ સંસ્થાના બાળકોને નવી ટેકનોલોજીના સાતત્ય સાથે શિક્ષણ મળે તેવો સંસ્થાનો ધ્યેય છે અને એ માટે સંસ્થામાં માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. આ બાળકોમાં આંતરિક સામર્થ્ય છે ત્યારે તેઓ કારકીર્દિ ઘડતર માટે આગળ વધી શકે તે માટે સંસ્થા કટિબદ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. ઓનરરી સેક્રેટરી શ્રી મિલન દલાલે સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે સંસ્થામાં દિવ્યાંગોને બાલમંદિરથી કોલેજ સુધીનું શિક્ષણ આપે છે અને ૭૦૦ વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યા છે તેમને વિનામૂલ્યે શિક્ષણ-હોસ્ટેલ સુવિધા અપાય છે.આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, જગદીશભાઇ વિશ્વકર્મા, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી બીપીન પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ-હોદ્દેદારો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



















