અનુભવના ઓટલે અંક: ૪૪ કલાકારનો કર્ણી ભેદ

844

અનુભવના ઓટલે અંક: ૪૪
કલાકારનો કર્ણી ભેદ
(લેખક:- લાભુભાઈ ટી. સોનાણી)

માણસ સર્જન કરે તેને વસ્તુ કહેવામાં આવે છે. ઇશ્વર સર્જન કરે તેને વ્યક્તિ અથવા તો પ્રકૃતિ કહેવામાં આવે છે. માણસે સર્જેલી કૃતિ નાશ પામે એટલે માણસ દુ:ખી થઈ જાય છે, રડવા લાગે છે, ધમપછાડા પણ કરવા લાગે છે. પ્રકૃતિનો નાશ થાય તો ઇશ્વર તે ઘટનાને સહજ લઈ નવસર્જન માટે કામે લાગી જાય છે. માણસ તેનો વૈભવ વિસ્તારવા જીવંતપર્યંત કાર્ય કરતો રહે છે. અવનવી શોધખોળ કરતો રહે છે. ઇશ્વર સતત પરીવર્તનશીલ હોવાથી સર્જન અને વિસર્જન સૄષ્ટિના નિર્માણ માટે ચાલતા જ રહે છે. માણસ સર્જનહાર બનવાના ગાંડપણમાં ભીત ભૂલી જાય છે. એટલું જ નહિ,તેની સુખાકારી વધારવા વિસર્જનને નોતરૂ આપી, જગતના વિનાશને આવકારી મોકો આપે છે. ઉજરડાને ખાળવા, મિટાવવા મતલબના મસાણ ઊભા કરી દે છે. ભય, અને ચિંતા તેનો પિછો છોડતા નથી. લાલચ અને લોભ માણસને આંધળો બનાવી દે છે. તે કલાકાર હોવા છતાં કર્ણીભેદના કારણે સર્જક મટી વિનાશી રાક્ષસ બની જાય છે. વિસર્જક બની સૃષ્ટિનો કચ્ચરઘાણ વાળવા તૈયાર થઈ જાય છે. જ્યારે ઇશ્વર સર્જન અને વિસર્જન એમ બંને પ્રકારનો આનંદ ઉઠાવી કલાનો વૈભવ રચી શકે છે. કોઈપણ ઘટનાને સહજ લેવાથી કલાનો આનંદ ઉઠાવી શકાય છે. કૃતિ પ્રત્યે મોહ પેદા થાય તો કલા અજ્ઞાનના અંધકારમાં ઢંકાય જાય છે. કલાકૃતિનો ઉજાસ જ્ઞાનરૂપી ચક્ષુના અભાવે દ્રશ્યમાન થતો નથી. માણસની કલાનો વૈભવ દ્રશ્ય ચીજ વસ્તુઓના ઉપયોગથી નિર્માણ થાય છે. જ્યારે ઇશ્વરની કલાનો વૈભવ અદ્રશ્ય અને અવર્ણનિય જોવા મળે છે. ઇશ્વરને જીવ સૃષ્ટિનાં સર્જન માટે ભૌતિક ચીજ વસ્તુની જરૂર પડતી નથી. માતાના ઉદરમાં પરમકૃપાળુ પરમાત્મા પિંડબીજનું આરોપણ કરી અનેરી માનવ કૃતિનું નિર્માણ કરે છે. માનવ કોઈ કૃતિ હોવાનું ભૂલી જાય છે. ઇશ્વરની જેમ કહેવાતી વિદ્વતા પ્રાપ્ત કરી.તે પણ સર્જક બની જાય છે. તેની કૃતિ કોઈ કારણસર નાશ પામે. તેને મોટુ નુક્સાન થાય તો માણસ રડવા લાગે છે, દુ:ખી થઈ જાય છે. કોઈવાર આત્મહત્યા પણ કરી લે છે. એમ કરવા છતાં ગુમાવેલી કૃતિ પુન: હાથવગી થઈ શકતી નથી. ઇશ્વર વિસર્જનની ક્રિયા પુર્ણ થતા જ નવસર્જનની પ્રક્રિયા આરંભી દે છે. ઇશ્વર જે સર્જન કરે છે. તેને વિસર્જિત કરવા કોઈ માળખાકિય સવલત ઊભી કરવી પડતી નથી. નાશ પામેલ જીવ સૃષ્ટિનાં પદાર્થો આપમેળે નાશ પામે છે. જ્યારે માનવસર્જિત કૃતિનાં કેટલાંક પદાર્થોનો નાશ કરવા ખાસ પગલાં લેવા પડે છે.

માણસ ઇશ્વરનો અંશ હોવા છતાં ઇશ્વરની લીલા જાણી શકતો નથી. કારણકે માણસ મોહ અને માયાના આવરણથી ઢંકાયેલો છે. જે રીતે નિર્મળ નદીનો પ્રવાહ તેના મુકામ પર પહોંચે તે પહેલા જ ફંટાય જઈ. કોઈ ખાડા-ખાબોચિયામાં અટવાય, દુષિત થઈ જાય છે. તેમ માણસ પણ ઇશ્વરનો અંશ હોવા છતાં મોહ અને માયા રૂપી ખાડા-ખાબોચિયામાં ફસાય જાય છે. ઇશ્વર એટલે માયા વિશિષ્ટ ચેતના. જ્યારે જીવ એટલે અવિદ્યા વિશિષ્ટ ચેતના. સત્વગુણનું ભાથું જે જીવ બાંધી શકે છે. તે જીવ ઇશ્વરનો અંશ બની મુક્તિ મેળવી પરમધામને પામે છે. પણ પરમાત્માના સત્વથી અળગો થઈ જાય છે. તે જીવ અવિદ્યાનો આભાસ થવાથી તમોગુણી બને છે. જ્યારે વ્યાપક તત્વ પરમાત્મા નિરગુણ અને નિરાકાર છે. તેથી તેને મોહ માયાનું સૃષ્ટિનું ચક્ર અવરોધિ શકતું નથી. ઇશ્વર સૃષ્ટિ પર અવતાર ધારણ કરીને પણ સૃષ્ટિનાં કોઈ બંધનોમાં બંધાતો નથી. તેને દુ:ખ કે સુખની અનુભૂતિ પણ થતી નથી. અવિદ્યા જીવને બંધન કરે છે. બંધનમાંથી મુક્ત થવા જીવને વિદ્યાની જરૂર છે. વિદ્યા એટલે બ્રહ્મવિદ્યા,આત્મવિદ્યા કે જે આત્માને ઉગારે છે. આવી વિદ્યા પ્રાપ્ત કરવા ગુરુની જરૂર પડે છે.અજ્ઞાની જીવને જ્ઞાન મેળવા ગુરુના શરણે જવુ પડે છે. ગુરુના શરણે જવાથી ગુરુજી તેને જ્ઞાન આપે છે. જ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ મુક્તિ મેળવી શકે છે. મુક્ત થયેલો પ્રત્યેક જીવ કલાના વૈભવના રંગો જાણે અને માણે છે. જીવ શરીર તરફ ઢળે છે. ત્યારે જીવ બંધનમાં પડે છે. શરીરના લાલનપાલનનો તેને મોહ જાગે છે. મોહમાં પડેલો જીવ શિવ મટી જીવ બની જાય છે. અન્યથા દરેક જીવ શિવનો જ અંશ છે. અવિદ્યાના કારણે જીવ શિવ મટી બંધનમાં ફસાઈ પડે છે. તેનાથી ઉલ્ટુ જીવ પરમાત્મા તરફ ઢળે છે. ત્યારે જીવ પુન: ઇશ્વરનો અંશ થઈ જાય છે. એમ થતા જ મુક્ત બની ઇશ્વરમાં સમાય જાય છે.
સિંહના બચ્ચાનો ઉછેર ગાડર બકરાંના બચ્ચા સાથે કરવામાં આવે તો સિંહનું બચ્ચુ હોવા છતાં ડરપોક બની બકરાની હરકતો કરવા લાગે છે. એમ જીવ પણ ઇશ્વરનો અંશ હોવા છતાં અવિદ્યાના કારણે પામર જીવ બની જાય છે. આભાસી જગતને પામવા વલ્ખા મારવા લાગે છે. મોહનો નશો જીવને પોતાનું અસ્તિત્વ ભૂલવી દે છે.
વાચક મિત્રો આપને પ્રશ્ન થતો હશે. ઇશ્વર શા માટે સૄષ્ટિનું સર્જન કરી પોતાની કલાનો વૈભવ પાથરતો હશે! તેને સંસારભૂમિ પર શા માટે કલાનું સર્જન કે વિસર્જન કરવુ પડે છે? ઉત્તર સાવ સરળ છે. નિજાનંદ માટે… આપણે પણ કેટલિક પ્રવૃત્તિઓ આપણા નિજાનંદ માટે કરતા જ હોઈએ છીએ. બ્રમ્હાના દિવસ દરમિયાન સૃષ્ટિનો ઉદય થાય છે. તેનો કાળ લગભગ એક હજાર યૂગનો હોય છે. સૃષ્ટિનો ઉદય થતા જ દરેકે કર્મ બજાવવુ પડે છે. ઇશ્વર પણ તે નિયમનું ચૂસ્ત રીતે પાલન કરે છે. તેથી તે સર્જક તરીકે પોતાની ભૂમિકા અદા કરવા અવતાર ધારણ કરે છે. શિવનો અંશ બની જન્મેલા જીવને અવિદ્યાના કારણે શિવત્વ ગુમાવવુ પડે છે. આખરે તે શિવ મટી જીવ બની સંસારમાં જુદી-જુદી યોનીમાં ભટકવા લાગે છે. આમ,જીવની યાત્રા કર્મબંધનની જમા થયેલ પુંજી મુજબ ચાલતી રહે છે. લખચોરાશી યોનીમાં ભટકેલો જીવાત્માને કર્મફળના અભાવે પુન: મુક્તિ માટે મૃત્યુલોકની યાત્રા આરંભવી પડે છે. જીવાત્માની દયા અને તેમના પ્રત્યેની સાહનુભૂતિના લીધે. ઇશ્વર સૃષ્ટિ પર અવતાર ધારણ કરે છે. આદર્શ જીવનનો માર્ગ પ્રસ્થાપિત કરી ઇશ્વર જિવાત્માનું કલ્યાણ કરવા કૃપા કરે છે. ઇશ્વર આદર્શ જીવનનો દાખલો બેસાડવા,સંસારભૂમિ પર વારંવાર અવતાર ધારણ કરે છે. સંસાર પર ઇશ્વરનો આ ઉપકાર છે. જેના કારણે જિવાત્માની મુક્તિનો માર્ગ સરળ બને છે. કલા પ્રત્યેની રૂચી આપણને ઇશ્વરની અનુભૂતિ કરાવે છે. તેથી સર્જકે નાશ પામેલી કૃતિનો રંજ કરવાના બદલે કૃતિની રંજકતા અર્થાત વિશિષ્ટતાને પામવાની જરૂર છે. જે રંજકતાને પામે છે. તે ઉમંગનો ઉત્સવ મનાવી શકે છે.
એક મોટા શેઠ હતા. તે ભારે કંજુસ હતા. પોતાની સંપત્તિનો ઉપયોગ કંજુસ શેઠ ખૂબ વિચારીને કરતા હતા. શેઠને એક દીકરો હતો. તે શાળામાં અભ્યાસ કરતો હતો. દીકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો. દીકરો ભણીગણીને પોતાના પગ પર ઊભો રહેવા ઇચ્છતો હતો. શેઠના દીકરાને ખબર હતી કે તે બહુ મોટી સંપત્તિનો માલિક બનવાનો છે. પણ શેઠના દીકરાને બાપની સંપત્તિમાં કોઈ રૂચી ન હતી. કારણ તે જાણતો હતો. બાપ બહુ કંજુસ છે. તેથી કંજુસ બાપની સંપત્તિ તેને સુખી કરી શકશે નહિ. એટલું જ નહિ તે તેના વિનાશનું કારણ બનશે. શેઠના દીકરાને બાપની મિલકતનો માલિક બની મહાલવું નોહતુ. તેને એમ કરી માનવ જીવન એળે જવા દેવુ નહોતુ. શેઠનો દીકરો શાળામાં અભ્યાસ કરતો હતો. તે શાળાના વર્ગમાં હંમેશા પ્રથમ નંબરે ઉતિર્ણ થતો હતો. કંજુસ શેઠના પુત્રનો જન્મદિવસ ધામધુમથી ઉજવવામાં આવ્યો. જન્મદિવસની ઘણી મોટી ભેટસોગાદો લોકોએ શેઠના દીકરાને આપી. શેઠે તેના દીકરાને વટ પાડવા એક હેલીકોપ્ટર ભેટમાં આપ્યું. પિતાની ભેટ મળતા જ દીકરો હેલીકોપ્ટરમાં ફરવા લાગે છે. એક દિવસ દીકરો હેલીકોલ્ટર લીધા વિના શાળાએ જતો રહે છે. શેઠને મોટી લોટરી લાગે છે. તેની ઉજાણી માટે શેઠ દ્વારા હોટલમાં ભવ્ય ખાણીપિણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. શેઠ અને પાઈલોટ દીકરાને શાળાએ તેડવા હેલીકોપ્ટર લઈ ને જાય છે. શાળાના ગ્રાઉન્ડમાં હેલીકોપ્ટર લેન્ડ કરી. શેઠ દીકરાને બોલાવે છે. અચાનક તેડવા આવેલા બાપને જોઈ. દીકરો વિચારોમાં ખોવાઈ જાય છે. થોડી જ ક્ષણોમાં કોઈપણ જાતની આનાકાની કર્યા વિના દીકરો શાળાએથી શેઠ સાથે હેલીકોપ્ટરમાં નીકળી પડે છે. રસ્તામાં હેલીકોપ્ટરમાં પેટ્રોલ ખાલી થઈ જતા જ પાઈલોટ છતરી લઈ. નીચે કુદી પડે છે. ઉતાવળમાં પાઈલોટ છતરીના બદલે કંજુસ શેઠના દીકરાનું દફતર લઈ કુદી પડે છે. હેલીકોપ્ટરમાં ભૂલાયેલી છતરી શેઠના દીકરાને નજરે પડે છે. તે પિતાને છતરી લઈ કુદી જવા સંકેત કરી જણાવે છે. શેઠ દીકરાને છતરી સાથે હેલીકોપ્ટરમાંથી નીચે ફેંકી દે છે. શેઠના દીકરાનો આબાદ બચાવ થાય છે. જાતમહેનતથી કમાવાની ઇચ્છા પણ વ્યક્તિના રક્ષણનું ચાલકબળ બની જાય છે. વ્યક્તિની શુભ ઇચ્છા જિવાદોરી લંબાવી તેને નવું જીવન અર્પણ કરી શકે છે. લાલચ વિના અભ્યાસ કરતો કંજુસ શેઠનો દીકરો પ્રભુકૃપા વડે ઉગરી જાય છે. લોભી શેઠ અને શેઠની સંપત્તિ વડે ગુજરાન ચલાવતો પાઈલોટ મૃત્યુ પામે છે. શેઠ જીવ્યા ત્યાં સુધી આનંદ ન માણી શક્યા. મૃત્યુ પણ કમોતે આવ્યું. જેને જિવતા આવડતુ નથી. તેનું મૃત્યુ પણ પિડા આપનારું નીવડે છે. ભીતરની ભાંગતોડ વ્યક્તિને ભાંગીને ભૂકો કરી નાખે છે. તેનાથી ઉલટું ભીતરનો સંતોષ વ્યક્તિને સુખનો સમ્રાટ બનાવી દે છે.
“ઉરમહી ઉગેલી ઉષા,
શક્તિનો ભંડાર છે.
કંજુસ બની થયેલો કકળાટ,
વિનાશનો અંધકાર છે”
જીવનમાં જે ખોવાય છે, જે ગુમાવવુ પડે છે. તે આપણા નસીબનું હોતું નથી. તેથી તેનો રંજ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. જે આપણને અણધાર્યું મળી જાય છે. તેનો ઉપયોગ આપણા કલ્યાણ માટે કરવાના બદલે અન્યના ઉત્થાન માટે કરવો જોઈએ. અન્યને ઉપયોગી બનવા આપણે હંમેશા તત્પર રહેવુ જોઈએ. જેમ વિદ્યાનો ઉપયોગ આપણે અન્યની અજ્ઞાનતાને દૂર કરવા કરીએ છીએ. તેમ અણધાર્યું મળેલુ ધન બીજાના સુખ માટે વાપરતા રહેવુ જોઈએ. આમ કરવાથી વિદ્યારૂપી ધનના ખજાનાની જેમ અપેક્ષા કરતા પણ વધુ પ્રાપ્ત થયેલા ધનના ખજાનામાં દિવસે-દિવસે વૃદ્ધિ થવા લાગે છે. પણ જેમ વિદ્યા વાપર્યા વિના પડી રહે તો નાશ પામે છે. તેમ અચાનક વગર મહેનતે મળેલું ધન પણ નાશ પામે છે. તેથી દરેક વ્યક્તિએ કલા વહેંચતા રહેવુ જોઈએ. કલાનો વેપાર કરાય નહિ. કાશ આપણી કૃતિ કોઈપણ કારણસર નાશ પામે તો દુ:ખી થવાના બદલે નવસર્જન માટે કામે લાગી જવુ જોઈએ. સર્જન અને વિસર્જન એક સિક્કાની બે બાજુઓ છે. વળી તે સૃષ્ટિનો નિયમ છે. નિયમનું દરેકે ચૂસ્ત રીતે પાલન કરવુ જ પડે છે. આપણી કલાનો વૈભવ વિસ્તરતો રહેવો જોઈએ. કલાનું કામણ માનવ અને ઇશ્વરનો ખરો વૈભવ છે. જીવ અને શિવનો સંગમ છે. કોઈપણ કલાકારની એ કર્ણી છે. તેમ છતાં કલાકારની કર્ણીમાં ભેદ જોવા મળે છે. એક મારુ માની પોતાની કૃતિ રચે છે. બીજો તારુ માની અર્પણ કરતો રહે છે.
“ઇશ તારી કૃપા થકી રચ્યુંતું શમણું,
ખળ-ખળ વહેતું જોયુ એક ઝરણું,
કહે “ઝગમગ” અંધારા ઉલેચવા મળે એક શરણુ”

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

Previous articleવિદેશમાં વસતા ભારતીયો ગુજરાતને ભારતના શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપવા પ્રતિબધ્ધ
Next articleરંઘોળા ગામ નજીક થયેલ અકસ્માતમાં ડ્રાઇવર સહિત ટ્રક માલિક ને સજા ફાટકારતી કૉર્ટ