ગઢડામાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારી પૂરજોશમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંતો-હરિભક્તો દ્વારા ઘેલા નદીની સફાઈ

480

ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃતને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારાવિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ ગઢડા ખાતે આ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર સત્સંગ સમાજમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.

હાલ આ મહોત્સવની પૂર્વતૈયારીઓ ગઢડા ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે વિશાળ નગરની રચના કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ પ્રદર્શન ખંડો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો મુખ્ય આકર્ષક હશે. વિવિધ તૈયારીઓમાં મુખ્યત્વે આ મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ગઢડા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં દૂરસુદૂરથી પધારેલા હરિભક્તો અને સારંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક સંતો સાથે સુશિક્ષિત સંતો-સાધકો પણ જોડાયા હતા. જેમા. નગરના મુખ્ય રસ્તાઓ, બસસ્ટેંડ અને ઘેલા નદીની સફાઈ કરવામાં આવી હતી. નદીના પાણીમાં ઉતરી કાદવ કીચડ ખૂંદતા અતિ દુર્ગંધ યુક્ત ગંદકીને કાઢતા સંતો-સાધકોની સેવા ખરેખર સરાહનીય છે. આ સ્વચ્છતા અભિયાન સતત ત્રણ દિવસ ચાલ્યું હતું, જેમાં ગામની સફાઈ તો થઈ પણ સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ ઘણો ઘટ્યો છે. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમ્યાન અવારનવાર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતા અને એમના જીવનમાંથી આપણને પણ સ્વચ્છતાની પ્રેરણા મળતી. તેઓ સંતો ભક્તોને પણ સેવા કાર્યમાં જોડી સ્વચ્છતા વિષે જાગૃતી લાવવાનું કાર્ય કરતા. આજે એ જ વારસો એમના આધ્યાત્મિક અનુગામી પ. પૂ. મહંતસ્વામી મહારાજે જીવંત રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૫/૩/૨૦૨૦ થી ૧૦/૩/૨૦૨૦સુધી ઉજવાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં દેશ-પરદેશથી મુમુક્ષુ ભક્તો લાભ લેવા પધારશે. તીર્થધામ ગઢડામાં એક ભવ્ય સ્વામિનારાયણ નગર આકાર લઈ રહ્યું છે. નગરમાં અને સામાજિક ઉત્કર્ષના પ્રદર્શન ખંડો અત્યાધુનિક ટેકનેલોજીની સહાયથી બનાવામાં આવ્યા છે સમગ્ર કાઠીયાવાડ પંથકમાં અનેરો પ્રોજેક્શન મેપિંગ લાઈટ એન્ડ સાઉન્ડ પણ યોજવામાં આવશે. બી.એ.પી.એસ. ના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજ પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહી પાવન લાભ આપશે.

Previous articleરાણપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૦ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
Next articleભાવનગર જીલ્લાનો કુખ્યાત ધરફોડ ચોર અને ચોરીના ૩ ગુન્હા તથા ગેંગ કેસના ૧ ગુન્હામાં વોન્ટેડ આરોપી અમીન રાવમાને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.