ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે રાજીવ સાતવની વરણી કરાઈ

757
guj3132018-6.jpg

ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીના સ્થાને આંકલાવના યુવા ધારાસભ્ય અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા હવે વધુ એક મોટુ પરિવર્તન કર્યું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતના સ્થાને હવે યુવા નેતા રાજીવ સાતવની નિમણૂંક કરી છે. આ નિયુક્તિ સાથે જ રાહુલ ગાંધીએ પક્ષમાં યુવાઓને પ્રાધાન્યતા આપવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. વિધાનસભા ચૂંટણી વખતે રાજીવ સાતવે યુવા કોંગી કાર્યકરો-આગેવાનોને સાથે રાખી ખૂબ સારી કામગીરી કરી હોવાથી કોંગી હાઇકમાન્ડે અશોક ગેહલોતના સ્થાને તેમને પ્રભારીપદ સોંપ્યુ હોવાનું મનાઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવની નિમણૂંકને લઇ ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં ભારે ચર્ચા ચાલી હતી. ૪૩ વર્ષીય સાતવ મહારાષ્ટ્રના ટોચના નેતા મનાય છે અને  ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે અસરકારક ભૂમિકા અદા કરી રહ્યા હતા. રાજીવ સાતવની નિમણૂંકની સાથે સાથે લાલજી દેસાઈને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ખૂબ મહેનત કરી હતી અને તે વખતે જ કોંગ્રેસના માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની નજીકથી કામગીરી નિહાળી હતી.  આ ઉપરાંત પક્ષમાં ચાલતા જુથવાદને પણ જોયો હતો. આ ચૂંટણી દરમિયાન જ રાહુલ ગાંધીએ પક્ષના સંગઠનની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેનાપરિણામ સ્વરૂપ સિનિયર ધારાસભ્યોને અવગણીને યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવાયા હતાં. ત્યાર બાદ ભરતસિંહ સોલંકીના સ્થાને અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને હવે  ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રીના દાવેદાર હોઇ અને ગેહલોત રાજસ્થાનમાં પણ ચૂંટણીનું નેતૃત્વ કરવાના હોવાથી હાઇકમાન્ડે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારીની જવાબદારી રાજીવ સાતવને  સોંપી હોવાનું મનાય છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા યુવા નેતાને પ્રભારીપદનું સુકાન સોંપવામાં આવ્યું છે.

Previous articleજમીન સંપાદન બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતો હાઇકોર્ટમાં
Next articleગુજરાત CBSEના ધો.-૧૦ના વિદ્યાર્થીને ગણિતની પરીક્ષામાંથી મુકિતઃ અનિલ સ્વરૂપે