મુંબઈમાં મોલમાં પ્રવેશવા માટે હવે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત

590

(સં. સ. સે.) મુંબઈ, તા. ૧૯
પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૦૦૦ની નજીક પહોંચીને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ્‌સ મુજબ ૩૯,૭૨૬ નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ગયા વર્ષની સરખામણી કરતા વધારે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી નાજુક છે અહીં ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૨૫,૦૦૦ કરતા પણ વધારે કેસ ગુરુવારે નોંધાયા છે. આવામાં મુંબઈમાં પણ કેસની સંખ્યામાં ઉછાળો આવતા બૃહદ મુંબઈ કોર્પોરેશન દ્વારા કડક પગલા ભરવાના શરુ કરી દેવામાં આવ્યા છે. જેમાં હવે મુંબઈમાં મૉલમાં પ્રવેશ કરનારા લોકોનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં નોંધાયેલા ૨૫,૮૩૩ નવા પોઝિટિવ કેસમાંથી મુંબઈમાં પાછલા ૨૪ કલાકમાં ૨,૮૭૭ નવા કેસ નોંધાયા છે.
આવામાં સતત વધતા કેસને ડામવા માટેના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં કોરોનાના કેસમાં વૃદ્ધિને જોતા હવે કોઈ પણ વ્યક્તિને શહેરના મૉલમાં એન્ટ્રી કરતા પહેલા કોરોના ટેસ્ટ ફરજિયાત રીતે કરાવવો પડશે.
એટલે કે તમામ મૉલની બહાર સ્વેબ કલેક્શન ટીમને તૈનાત કરવામાં આવી છે.
પાછલા કેટલાક સમયથી મુંબઈના દાદરમાં આવેલા શાકભાજી માર્કેટમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે જેના પર કાબૂ મેળવવામાં નહીં આવે તો કોરોના વધારે વકરવાની સંભાવના રહેલી છે. આ માર્કેટમાં સવારમાં મોટી સંખ્યામાં ખરીદારોની ભીડ જોવા મળે છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા કોવિડ-૧૯ના નિયમોનો ભંગ થતો જોવા મળે છે.
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે ૨૦ હજાર કરતા વધારે (૨૫,૮૩૩) કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો ૨૫,૯૬,૩૪૦ પર પહોંચી ગયો છે. જ્યારે વધુ ૫૮ દર્દીઓના પાછલા ૨૪ કલાકમાં મોત થતા રાજ્યનો કુલ મૃત્યુઆંક વધીને ૫૩,૧૩૮ પર પહોંચી ગયો છે.
કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કુલ ૩૯,૭૨૬ નવા કેસ નોંધાયા છે જેની સામે ૨૦,૬૫૪ દર્દીઓએ કોરોનાને હરાવીને સાજા થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૫૧,૧૪,૩૩૧ થઈ ગયો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૧,૧૦,૮૩,૬૭૯ થઈ ગઈ છે. ૨૪ કલાકમાં વધુ ૧૫૪ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક ૧,૫૯,૩૭૦ પર પહોંચી ગયો છે.
ભારતમાં સતત કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે જેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટવાના કારણે એક્ટિવ કેસ એક મહિનાની અંદર સવા લાખની નજીકથી પોણા ત્રણ લાખની નજીક પહોંચી ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૨,૭૧,૨૮૨ છે. ૧૬ જાન્યુઆરીએ ભારતમાં શરુ કરાયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં ૩,૯૩,૩૯,૮૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Previous articleભારત સરકાર પોતાની મોબાઈલ એપ સ્ટોર વિકસાવશેઃ પ્રસાદ
Next articleવીમા ક્ષેત્રે FDIવધારીને ૭૪% કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ