રાષ્ટ્ર આરાધના માટે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા રૂ. ૧ કરોડનું રાષ્ટ્ર સુરક્ષા ભંડોળમાં અનુદાન

776

આજરોજ ડોક્ટર્સ હોલ ખાતે હસમુખભાઈ પટેલ, એડી.ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, પ્રિન્સીપાલ જીલ્લા ન્યાયાધીશ આર.ટી. વચ્છાણી, ડીડીઓ વરુણકુમાર, તથા મેયર કીર્તિબેનની ઉપસ્થિતિમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર તથા જનાર્દનભાઈ ભટ્ટ દ્વારા નેશનલ ડીફેન્સ ફંડમાં રૂ. ૧ કરોડનો ચેક હસમુખભાઈ પટેલને અર્પણ કર્યો હતો.આ પ્રસંગે હસમુખભાઈ પટેલે તેમના ભાવનગર ખાતેના કાર્યકાળના સુખદ સંસ્મરણોનો ઉલ્લેખ કરી આ સંસ્કારી નગરીમાં રાષ્ટ્ર આરાધના અને ભારતીય સૈનિકોનું ઋણ અદા કરવા માટે જે મહાદાન પ્રવૃત્તિ ચાલી રહી છે તેને મુક્ત મને બિરદાવી તથા આ પ્રવૃત્તિ ભવિષ્યમાં સમગ્ર દેશને દોરવણી આપશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી. સાથે સાથે હસમુખભાઈએ ટકોર કરી કે માત્ર આર્થિક મદદ કરીને સંતોષ માનવાનો નથી પરંતુ રાષ્ટ્ર માટે બીજી અનેક પ્રવૃતિઓ જેવી કે સ્વચ્છતા, અનુશાષન અને નાગરિક ધર્મને પણ દરેકે પ્રાધાન્ય આપવાનું છે. જનાર્દન દાદા અને બા પોતાની બચત નહીં રાખી રાષ્ટ્ર સુરક્ષા ભંડોળ એક કરોડ જેવી માતબર રકમ અનુદાન આપી રાષ્ટ્ર પ્રેમ ની શિક્ષા આપી છે,આ પ્રસંગે જીલ્લા ન્યાયાધીશ આર.ટી. વચ્છાણી સમાજને દોરવણી આપતા કહ્યું કે દેશ પ્રત્યેનું ઋણ અદા કરવાના આ મહાયજ્ઞમાં સૌએ પોતાની રીતે આહુતિ આપવી જોઈએ જેથી સમગ્ર દેશ એકજુટ બને અને બહારના સંકટો સામે વધુ શક્તિશાળી બને. આ પ્રસંગે સમાજના પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું.