અભિનેત્રી માહી વિજ ફરીથી એક્ટિંગ કરવા તત્પર છે

384

લાગી તુજસે લગન અને બાલિકા વધૂ’માં પોતાના રોલ માટે જાણીતી એક્ટ્રેસ માહી વિજ ફરી વખત કામ શરૂ કરવા તત્પર છે. જો કે, તેને એ વાત દુઃખી કરે છે કે કેટલાક પ્રોડક્શન હાઉસ અને ચેનલો એવું માને છે કે તેણીએ લાંબો બ્રેક લીધો છે અને સ્ક્રીન પર પાછી આવવા નથી માગતી. આ વિશે વાત કરતાં માહીએ કહ્યું, મને નથી ખબર કે આ માહિતી ક્યાંથી ફેલાઈ છે અને તેના કારણે જ લોકો હવે મને કામ માટે પૂછતા નથી. હું કામ કરવા માગુ છું અને સ્ક્રીન પર ચોક્કસ પાછું ફરવું છે. ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હું ફરી કેમેરાનો સામનો કરવા ઉત્સુક છું. પાંચ વર્ષ પહેલા પણ આવી જ અફવા ફેલાઈ હતી જેના કારણે માહીના કામ પર અસર પડી હતી. એ વખતે એકાએક ક્યાંયથી વાત ઉડી હતી કે માહી પ્રેગ્નેન્ટ છે અને તેના કારણે તેને શો ઓફર થવાના બંધ થઈ ગયા હતા. પરંતુ હકીકત તો એ હતી કે તે પ્રેગ્નેન્ટ નહોતી. જો કે, હવે માહી પાયાવિહોણી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકીને નવેસરથી શરૂઆત કરવા માગે છે. માહીએ ઓડિશન આપવાના શરૂ કરી દીધા છે અને તેને અપેક્ષા છે કે જલદી જ તેને કોઈ રોલ મળી જશે. “મહામારી દરમિયાન પણ હું ઘણી વ્યસ્ત હતી કારણકે હું સોશિયલ મીડિયા પ્રોજેક્ટ માટે કામ કરી રહી હતી. હવે હું દરેક પ્રકારના પ્રોજેક્ટ સ્વીકારવા તૈયાર છું”, તેમ માહીએ ઉમેર્યું. કોઈ ચોક્કસ રોલ છે જે માહી કરવા માગે છે? જવાબ આપતાં એક્ટ્રેસે કહ્યું, “એક કલાકાર તરીકે મારે માત્ર કામ કરવું છે. મારા મગજમાં કંઈ ચોક્કસ વસ્તુ તો નથી પરંતુ મને મારી એક્ટિંગ સ્કીલ બતાવવાની તક મળે તેવું કામ કરવું છે.
હાલ તો હું કોઈ સારા રોલની રાહ જોઈને બેઠી છું જેને હું હા પાડી શકું અને તાત્કાલિક કામ શરૂ કરી શકું. કામ શરૂ કર્યા પછી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવીશ કારણકે હાલ તારા ત્રણ સંતાનો છે તારા, ખુશી અને રાજવીર? “આ ખૂબ મહત્વનો મુદ્દો છે કારણકે તારા જન્મી એ દિવસથી હું રોજેરોજ ૨૪ કલાક હું તેની સાથે રહુ છું. મારી દીકરી સંપૂર્ણપણે મારા પર આધારિત છે. જ્યારે રાજવીર અને ખુશી તો ગોઠવાઈ જશે. મારી મમ્મી મારી સાથે રહે છે એટલે ત્રણેય બાળકોને મમ્મીની માયા છે. જ્યારે હું કામ કરીશ ત્યારે મારી મમ્મી મારી સૌથી મોટી મદદ બની રહેશે. ઉપરાંત બાળકોને રાજવીર અને ખુશીના પપ્પા સાથે સમય પસાર કરવો પણ ખૂબ ગમે છે. માટે મને લાગે છે કે જ્યારે હું બહાર હોઈશ ત્યારે ઘર તો સચવાઈ જશે”, તેમ માહીએ ઉમેર્યું.

Previous articleચામુંડા મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના
Next articleવિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં યુવા શૂટર ચિંકી યાદવે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો