વિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં યુવા શૂટર ચિંકી યાદવે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

52

યુવા શૂટર ચિંકી યાદવે અનુભવી રાહી સરનોબાતની સાથે મનુ ભાકરને પાછળ રાખીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતે આ સાથે આઇએસએસએફ વર્લ્ડ કપની વિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટના ત્રણેય મેડલ જીતી લઇને ક્લીન સ્વિપ કરી હતી. ૨૩ વર્ષીય ચિંકીએ સમાન ૩૨ પોઇન્ટનાં કારણે થયેલા શૂટ-ઓફમાં સરનોબતને હરાવી હતી અને ભારતે પોતાના ગોલ્ડ મેડલની સંખ્યા નવ સુધી પહોંચાડી દીધી હતી. ૧૯ વર્ષીય મનુ ભાકરે ૨૮ પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ત્રણેય શૂટર ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકી છે. ચિંકીએ ૨૦૧૯માં દોહા ખાતે યોજાયેલી ૧૪મી એશિયન ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન હાંસલ કરીને ઓલિમ્પિક કોટા મેળવ્યો હતો. પ્રથમ ૨૦ ટાર્ગેટમાં તે ૧૪ના સ્કોર સાથે સૌથી આગળ હતી. ત્યારબાદ મનુ ૧૩ પોઇન્ટ સાથે બીજા ક્રમે હતી. ભોપાલની શૂટરે ૨૧ના સ્કોર સાથે તમામને પાછળ રાખી દીધા હતા.
ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે મેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી-પોઝિશનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને મેડલ્સની યાદીમાં ભારતનું ટોચનું સ્થાન વધારે મજબૂત કર્યું હતું. ૨૦ વર્ષીય તોમરે ૪૬૨.૫ પોઇન્ટ સાથે પ્રથમ, હંગેરીના સ્ટાર શૂટર ઇસ્તવાને પેનીએ (૪૬૧.૬) સિલ્વર તથા ડેનમાર્કના સ્ટેફેન ઓલસેને (૪૫૦.૯) બ્રોન્ઝ મેળવ્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતનો આ આઠમો ગોલ્ડ હતો.
તોમરે પણ ૨૦૧૯ની એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું હતું.