ભાવનગર ખાતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકેનો ચાર્જ સંભાળતાં : બી.જે.પટેલ

823

ભાવનગર ખાતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે શ્રી બી.જે.પટેલે આજે ચાર્જ સંભાળી લીધો છે. ભાવનગરની જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર તરીકે ઉમેશ વ્યાસ ફરજ બજાવતા હતા. તેઓ વયમર્યાદાના પગલે નિવૃત થયા હતા તેમની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યા પર ઇન્ચાર્જ અધિક જિલ્લા કલેક્ટર તરીકે શ્રી ડી.કે.પટેલ ફરજ બજાવતા હતા.
ગુજરાત વહીવટી સેવાના કલાસ-૧ અધિકારી શ્રી બી.જે.પટેલની સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભાવનગર ખાતે નિમણૂક થતાં તેઓએ આજ રોજ અધિક કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી પટેલ આ અગાઉ ભાવનગર ખાતે કલેક્ટર કચેરીમાં ઇન્ચાર્જ નિવાસી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેથી તેઓ આ જિલ્લા અને જિલ્લાની કામગીરીથી સારી રીતે વાકેફ છે.
ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે, જીલ્લાના નાગરીકોને સરળતાથી અને સુગમતાથી રાજ્ય સરકારની યોજનાઓના લાભ સુચારૂ રીતે મળે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં રહે અને નગર અને જિલ્લાના નાગરીકોને સારૂ સ્વાસ્થ્ય મળે તે માટેની કટીબધ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
વ્યાસની નિવૃત્તિ બાદ ખાલી પડેલ જગ્યાનો ચાર્જ શ્રી ડી.કે.પટેલે સફળતાપૂર્વક સંભાળ્યો તે માટે તેમણે આભાર વ્યક્ત કરી આગળ પણ તેમનો સાથ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Previous articleવિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં યુવા શૂટર ચિંકી યાદવે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો
Next articleભાવનગર જિ. પં.નું રૂા. ૧૦૩૫ કરોડનું વાર્ષિક બજેટ સર્વાનુમત્તે મંજુર