સુરતમાં ૪થી વધુ લોકોના ભેગાં થવા પર પ્રતિબંધ

355

(સંપૂર્ણ સમાચાર સેવા) રાજકોટ,તા.૩૦
સુરત : ગુજરાતમાં કોરોના વાયસનો નો કહેર યથાવત્‌ છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે.
સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું ૩૦ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે. સુરતમાં ૪થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર, જાહેરમાં ઉશ્કેરણી કરે અથવા તો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા પર તારીખ ૩૦ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે.
જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. સોમવારે ધૂળેટીના દિવસે રાજ્યમાં કોરોનાના નવા ૨૨૫૨ કેસ નોંધાયા છે.
જ્યારે કોરોના વાયરસના કારણે ૮ દર્દીઓનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં ૬૭૭ કેસ નોંધાયા છે. આજની સ્થિતિમાં રાજ્યમાં ૧૨૦૪૧ એક્ટિવ કેસ છે જ્યારે ૧૪૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે.