સિહોર તાલુકાના વાળાવડ ગામના ૬ માસના બાળક મિલનને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સારવારથી સારણગાંઠની પીડામાંથી મુક્તિ મળી

886

રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણની વિવિધ ક્ષેત્રની યોજનાઓ દ્વારા સામાન્ય જન સમાજના સુખાકારી માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. સરકારના આ પ્રયત્નમાં કર્મચારી નિષ્ઠાપૂર્વક જોડાઇને છેવાડાના માનવી સુધી પહોંચીને લોકો સહયોગ દ્વારા કાર્ય કરે છે ત્યારે તેના મીઠા ફળ મળતાં હોય છે. આવો જ એક કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે. જેમાં જન્મથી માંડીને ૧૮ વર્ષ સુધીના બાળકોને હૃદય, કિડની, કેન્સર, વળેલા પગ, જન્મજાત બધીરતા જેવાં રોગોની તપાસ તથા સારવાર કરવામાં આવે છે. જો સ્થાનિક કક્ષાએ તેની સારવાર શક્ય ના હોય તો વધુ સારવાર માટે રેફરલ કે મોટી હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ ઓપરેશન બિલકુલ નિઃશૂલ્ક કરવામાં આવે છે.આ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.તાજેતરમાં સિહોર તાલુકાના વાળાવડ ગામના ૬ માસના બાળક મિલન મનીષભાઈ ડાભીને સારણગાંઠની તકલીફ જોવા મળી હતી. એક તો કોરોનાકાળ અને નાના બાળકની પીડા અને આર્થિક સંકળામણને લીધે તેનો પરિવાર ખૂબ જ ચિંતામાં હતો. હવે શું કરવું એ કાંઈ સૂઝતું ન હતું? કોરોનાને લીધે બહાર નીકળવામાં પણ તકલીફ પડે તેમ હતી. બાળકની પીડા જોઈ શકાતી ન હતી.આ સંજોગોમાં શું કરવું તે માટે મિલનનો પરિવાર ખૂબ ચિંતા અને ટેન્શનમાં હતો.ત્યારે વાળાવડ ગામના સ્થાનિક આશાબહેનો જ્યોત્સનાબેન જાદવ અને સંગીતાબેન બઢીયાને ખબર પડતાં જ મિલનના ઘરની મુલાકાત કરી તેના પરિવારને ચિંતા ન કરવાની સાંત્વના આપી હતી. આશા ફેસીલીટેટર સુનિતાબેન સોલંકીના સંકલનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડની ટીમ જલ્પાબેન રમણા અને કેતનભાઈ બોરીચાને જાણ કરતાં આર.બી.એસ.કે. ટીમ ઉસરડ, અર્બન ડો.સંજયભાઈ ખીમાણી, ડો.રૂપલબેન વૈષ્ણવ દ્વારા તરત જ તા.૮-૩-૨૦૨૧ના રોજ તેમને સંદર્ભ કાર્ડ ભરી આપ્યું હતું. ત્યારબાદ મિલનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી તપાસ કરીને સ્થાનિક કક્ષાએ તેની સારવાર કરવી મુશ્કેલ હોવાથી બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
મિલનના માતા-પિતા મિલનને લઈને તા.૧૧-૩-૨૦૨૧ ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં મિલનનું મફત ઓપરેશન થઈ જતા બાળકના માતા-પિતા અને મિલનની ખુશીનો પાર ન રહ્યો હતો. મિલનના રોગનું સાચું મારણ થયું હતું.એક રીતે મિલનને નવજીવન મળ્યું હતું. પોતાની તકલીફોમાંથી મુક્તિ મળતાં તે ખુશખુશાલ થઈ ગયો હતો.મિલનના પિતા મનીષભાઈ ડાભીએ મિલનની આ રીતે મફત સારવાર થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ટીમનો આભાર માન્યો હતો.તેમણે વધુમાં કહ્યું કે,જો સરકારની આવી યોજના ન હોત તો અમારા જેવા ગરીબ અને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો આવા ગંભીર પ્રકારના રોગની સારવાર કરવા માટે ક્યાં જાત. તેમણે આર.બી.એસ.કે.ટીમ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારનો આવી સુંદર યોજના બદલ આભાર વ્યક્ત કર્યો હતો.સિહોર તાલુકાની ટીમ અર્બન, ઉસરડ, સોનગઢ, સણોસરા, ટાણા, મઢડાની આર.બી.એસ.કે. ટીમ સંકલનથી સુંદર કામ કરી રહી છે. જન્મજાત ખોડ-ખાપણો, હૃદય, કેન્સર, કિડની, જન્મજાત બહેરાશ સુધીના ૧૮ વર્ષ સુધી બાળકોની તપાસ, સારવાર, રીફર ઓપરેશનો સિહોર તાલુકાના વિવિધ ગામોમાં આ અગાઉ પણ કરાવી આપ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે, આર.બી.એસ.કે.ટીમ ઉસરડના ડો.રૂપલબેન વૈષ્ણવ, ડો.સંજયભાઈ ખીમાણી દ્વારા અરવિંદ ભાવેશભાઈ સરવૈયા તા.૨-૫-૨૦૧૯માં કલેપ પેલેટની કામગીરી, શુભમ નિતિનભાઈ બારૈયા તા.૭-૮-૨૦૨૦ માં હૃદયની તકલીફના ઓપરેશનની સફળ કામગીરી કરી ચુક્યા છે. અર્બનમાં ક્લબ ફૂટની કામગીરી તેમજ મિલન મનીષભાઈ વળાવડ સરણગાંઠની કામગીરી કરી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિરજભાઈ વેકરીયા, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવર, લાયઝન ડો.બી.પી.બોરીચા તથા જિલ્લા શાળા આરોગ્ય મદદનીશ નિપુલભાઈ ગોંડલિયા, જીતેન્દ્રભાઈ ગજ્જર દ્વારા આર.બી.એસ.કે. ટીમોને માર્ગદર્શન, મદદને કારણે આ શક્ય બન્યું છે.તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, ડો. માનસ્વીબેન માલવિયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હેલ્થ વિઝીટર હસુમતિબેન ગોહિલ દ્વારા ટીમને આવું સુંદર કામ કરવા બદલ અભિનંદન સાથે પ્રોત્સાહીત કરાયાં હતાં.

Previous articleરાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લેબર કોડની હોળી સહિતના દેખાવો યોજાયા
Next articleસુરતના કોર્પોરેટર સાથે બનેલી ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીના દેખાવો