બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, ધો.૧-૯-૧૧માં માસ પ્રમોશન અપાશે

600

(સં. સ. સે.) ગાંધીનગર, તા. ૧૫
સીબીએસઈ ઉપરાંત, કેટલાક રાજ્યોએ પણ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી મોકૂફ રાખ્યા બાદ હવે ગુજરાત સરકારે પણ આ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ૧૦મી મેથી શરુ થઈ રહેલી બોર્ડની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત, ગત વર્ષની માફક આ વખતે પણ ધોરણ ૧થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન આપવામાં આવશે.સરકાર દ્વારા જણાવાયું છે કે, બોર્ડની પરીક્ષા ક્યારે લેવી તેનો નિર્ણય ૧૫મી મેના રોજ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે. જોકે, પરીક્ષાની નવી તારીખ જાહેર કરતી વખતે ૧૫ દિવસનો સમય પણ અપાશે, જેથી વિદ્યાર્થીઓ તેની યોગ્ય રીતે તૈયારી કરી શકે. સરકારે ગયા મહિને જ રાજ્યભરમાં તમામ સ્કૂલો પણ કરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી બંધ કરી દીધી હતી. આ નિર્ણયનો અમલ પણ ૧ મે સુધી લંબાવાયો છે.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા અંગે મોટો નિર્ણય કરાયો હતો. જેમાં ધોરણ ૧૦ની પરીક્ષા યોજ્યા વિના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, ધોરણ ૧૨ની પરીક્ષા ક્યારે યોજવી તેનો નિર્ણય જૂન મહિનામાં લેવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ઘણા સમય પહેલા જ લેવાઈ ચૂક્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરા જેવા શહેરોની સ્થિતિ કલ્પના પણ ના કરી શકાય તેટલી ભયાનક છે. તેવામાં વાલીઓ લાંબા સમયથી ધોરણ ૧થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન આપવામાં આવે તેવી લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. જોકે, તે અંગે સરકાર ખૂલીને કંઈપણ કહેવા તૈયાર નહોતી. સીબીએસઈએ પરીક્ષા રદ્‌ કરી ત્યારે તેવો જ નિર્ણય ગુજરાતમાં પણ ઝડપથી લેવાય તેવી પણ વાલીઓ માગ કરી રહ્યા હતા.રાજ્યમાં ગયા વર્ષે પણ બોર્ડની પરીક્ષા કોરોનાના ઓછાયા વચ્ચે જ લેવાઈ હતી. પરીક્ષાઓ ચાલુ હતી તે દરમિયાન સદનસીબે રાજ્યમાં કોરોના પ્રારંભિક તબક્કામાં જ હતો. સ્થિતિ વકરી ત્યાં સુધીમાં તો પરીક્ષાઓ પૂર્ણ પણ થઈ ચૂકી હતી. જોકે, ૨૦૨૦માં અચાનક કેસોમાં વધારો શરુ થતાં સરકારે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. દેશમાં માર્ચ ૨૦૨૦થી જ સ્કૂલો બંધ થઈ ગઈ હતી. જોકે, અનલોક દરમિયાન સ્કૂલોએ ધીરે-ધીરે વિદ્યાર્થીઓને બોલાવવાનું શરુ પણ કર્યું હતું. એક પછી એક વર્ગો વધારવામાં આવી જ રહ્યા હતા તે દરમિયાન કોરોનાએ ફરી માથું ઉંચકતા હવે સ્કૂલોમાં શિક્ષણ ફરી બંધ કરવાની ફરજ પડી છે. જોકે, તેના વિકલ્પ રુપે ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે, પરંતુ તેની અસરકારતા મર્યાદિત હોવાની ફરિયાદો કેટલાક વાલીઓ ઉપરાંત બાળકો પણ કરી રહ્યા છે.