રેમડેસીવીર ઇંન્જેક્શન મામલે શહેર કોંગ્રેસના દેખાવો : કાર્યકરોની અટકાયત

508

ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાનો કહેર વધતાં અને દિન પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસ વધુ પ્રમાણમાં નોંધાતા લોકો ભયભીત છે.દર્દીઓને પુરતી સારવાર મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં આજરોજ ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલ દોડી ગયા હતા અને દર્દીઓની પૂછતાછ કરી હતી અને વહિવટી વિભાગમાંથી પણ માહિતી મેળવી હતી. અને દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવી ભલામણો કરવામાં આવી હતી.
ત્યાર બાદ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ રમેડેસીવીર ઇંન્જેકશનની અછતના કારણે દર્દીઓને સમયસર ઇંન્જેક્શન મળતા નથી. ઇંન્જેક્શનની વ્યવસ્થા નહીં ગોઠવાતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે આજે શુક્રવારે તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાની આગેવાની હેઠળ શહેર જિલ્લા કોંગ્રેસ પક્ષનાં આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણા કરતા હતા. તે વેળાએ થોડીક જ વારમાં પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી સ્થાનિક એ ડિવીઝન પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. પચાસથી વધુ કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
જેમાં ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, મ્યુ.ની વિપક્ષના પૂર્વ જયદિપસિંહ ગોહિલ, પારૂલબેન ત્રિવેદી સહિતનાં કોંગ્રેસના વિવિધ સંગઠનના આગેવાનો, પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ કોંગ્રેસના કાર્યકરોએ ક્લેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી ભાજપની રિતીનીતીની ઝાટકણી કાઢી હતી. કોંગી આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ કોરોનામાં સપડાયેલા સામાન્ય માણસો રેમડેસીવિર ઇન્જેક્શનના અભાવે મરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ૫૦૦૦ ઇન્જેક્શનનો સ્ટોક કરે અને ગેરકાયદેસર રીતે વિતરણ કરે તેને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે આજે કલેક્ટર કચેરી સામે ધરણા કાર્યક્રમ અપાયો હતો.

Previous articleદૈનિક કેસની મુદ્દે ભારત યુએસને પાછળ છોડવાની તૈયારીમાં
Next articleઆજે જિલ્લામાં ૧૯૭ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા ૧૨૦૯ પર પહોંચી