તળાજા તાલુકાના મોટા ઘાણા ગામનાં સરપંચે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી બન્ને દીકરીઓના લગ્ન મોકૂફ રાખી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

651

રાજ્યભરમાં કોરોનાની મહામારી કૂદકે અને ભૂસકે આગળ વધતી જાય છે અને અટકવાનું નામ નથી લેતી તેવા સમયે કોરોનાને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીગનું ખૂબ જ અગત્યનું પગલું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટા ધાણા ગામના સરપંચ ભુપતભાઈ ભમ્મરે પોતાની બન્ને દીકરીઓના લગ્ન મોકૂફ રાખીને રજૂ કર્યું છે.
સરપંચની બન્ને દીકરીઓના લગ્ન છેલ્લા છ મહિનાથી કોરોનાની મહામારીના કારણે અટકેલા હતાં અને હવે વધુ અટકાવી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાં છતાં, સમાજમાં વ્યાપક બનેલ કોરોનાની મહામારી અટકાવવા માટે સરપંચે ગામના મુખીયા હોવાનો સાચો દાખલો બેસાડતા પોતાની બંને દીકરીઓ હાહીબેન વાસુરભાઈ ભમ્મર(ઉ.વ.૨૨)અને લાસેનબેન વાસુરભાઈ ભમ્મર(ઉ.વ. ૧૯) ના લગ્ન, વેવાઈ અને પોતાના કુટુંબના સભ્યોને હકીકતથી વાકેફ કરી કોરોનાના સમયમાં કુટુંબીજનોને અને સમાજને ભેગો કરવો યોગ્ય નથી તેવું સમજાવીને આ લગ્નને મોકૂફ રાખ્યાં છે. એટલું જ નહીં પોતાની દીકરીઓ સાથે ગામની અન્ય એક દીકરી પુનીબેન ગૌહાભાઈ કામલીયા (ઉ.વ.૧૯ )અને ભારતીય લશ્કરમાં નોકરી કરતા ગામનાં એક યુવક પાતુભાઈ કામલીયાના લગ્ન પણ મોકૂફ રખાવ્યા છે. આ રીતે લગ્નમાં એકઠી થનાર ભીડનેને અટકાવી કોરોનાની મહામારીને અટકાવવા માટેનું સ્તુત્ય પગલું લીધું છે. આ ઉપરાંત તળાજા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી જાડેજાએ પણ ગામમાં સામાજિક અંતર જાળવવા માટે વારંવાર સમજાવટ અને માર્ગદર્શન કરેલ છે. તળાજાના તાલુકા વિકાસ અધિકારી શ્રી સુરુભા જાડેજાએ જણાવ્યું કે, મોટા ઘાણા ગામના સરપંચશ્રી ભુપતભાઇ અગાઉ પણ કોરોના રસીકરણના વિવિધ તબક્કા વખતે ગામના લોકોને પોતાના વાહનમાં રસીકરણ કેમ્પ ખાતે લાવવાની સરપંચ તરીકેની અને એક સમાજના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી ચૂક્યાં છે. ભુપતભાઈ ઉમેર્યું કે, વિશ્વ જ્યારે આ મહામારીનો માર ઝીલી રહેલ છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ખુશીનો પ્રસંગ ઉજવવો અમને યોગ્ય ન લાગતાં અમારા સમગ્ર પરિવારે સામૂહિક રીતે આ નિર્ણય લીધો છે.
જ્ તેમણે આશા વ્યક્ત કરી કે, જલ્દી બધું બરાબર થઈ જાય અને સૌ સાથે મળી વિશ્વને એક સુંદર બગીચા સમાન નિહાળી શકીએ અને મનના અરમાન સમાન દરેક પ્રસંગો રંગે-ચંગે બધાની હાજરીમાં ઉજવી શકીએ.ગામના મુખીયા તરીકે વાસ્તવિક જીવનમાં સોશિયલ ડિસ્ટન્સીગનું અનોખું ઉદાહરણ રજૂ કરી તેમણે લોકશાહીના સૌથી પાયામાં રહેલા એકમ એવા પંચાયતના સરપંચ તરીકે અનોખું ઉદાહરણ રજૂ કરીને ભારતમાં લોકશાહી શા માટે ચેતનવંતી અને ધબકતી છે તેનું ઉમદા દ્રષ્ટાંત કર્યું છે.