સુગંધા અને સંકેત ભોંસલે ૨૬મી એપ્રિલે લગ્ન કરશે

150

મુંબઈ,તા.૧૯
કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલે એકબીજા સાથે રિલેશનશીપમાં હોવાની વાતને હંમેશા નકારતા રહ્યા છે. જો કે, છેવટે તેમણે જાહેરમાં પ્રેમનો સ્વીકાર કરી લીધો છે. શનિવારે કપલે પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રોમેન્ટિક તસવીર શેર કરીને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે તેવી જાહેરાત કરી હતી. આ જોઈને તેમના ફેન્સને સુખદ આશ્ચર્ય થયું હતું અને કપલ પર શુભેચ્છાઓનો વરસાદ દિવસભર થયો હતો. સુગંધા અને સંકેત ૨૬મી એપ્રિલે પંજાબના જાલંધરમાં લગ્ન કરવાનું છે. આ લગ્નમાં માત્ર ખૂબ અંગત લોકો જ હાજરી આપશે. કોરોના મહામારીની સ્થિતિને જોતાં કપલે લગ્નનું પ્લાનિંગ પણ એ મુજબ કર્યું છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું, સગાઈ અને લગ્ન એક જ દિવસે થશે. કહેવાય છે ને ’ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ’, આ જ તર્જ પર સુગંધા અને સંકેતના લગ્ન છે. કોવિડ-૧૯ની સ્થિતિને જોતાં ખૂબ ઓછા લોકોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થશે. આ લગ્ન બની શકે તેટલી સાદગીથી કરવાનું આયોજન સંકેત કરી રહ્યો છે. સંકેત પોતે ડૉક્ટર છે ત્યારે હાલની પરિસ્થિતિ કેટલી વિકટ છે તે સમજે છે, માટે જ જરૂરી તકેદારના પગલાં લઈ રહ્યો છે અને બધું આયોજન મુજબ થાય તે સુનિશ્ચિત કરી રહ્યો છે. જણાવી દઈએ કે, સંકેત ભોંસલે બોલિવુડ એક્ટર સંજય દત્તની મિમિક્રી માટે જાણીતો છે. કોમેડીની દુનિયામાં સંકેત ભોંસલે જાણીતું નામ છે.
’બાબા કી ચોકી’ શોનો હોસ્ટ છે અને તેણે ’ધ કપિલ શર્મા શો’ તેમજ ’ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન’માં જોવા મળી ચૂક્યો છે. જ્યારે સુગંધા પણ ’ધ કપિલ શર્મા શો’માં જોવા મળી છે. સુગંધા કોમેડિયન ઉપરાંત એક્ટર અને સિંગર પણ છે. તેણે ’સા રે ગા મા પા સિંગિંગ સુપરસ્ટાર’માં ભાગ લીધો હતો અને હીરોપંતી દ્વારા ફિલ્મી પડદે ડેબ્યૂ કર્યું હતું. ટીવી શો ’બાલવીર’માં પણ સુગંધા જોવા મળી ચૂકી છે. સુગંધા મહાન ગાયિકા લતા મંગેશકર જેવા અવાજમાં ગાવા માટે જાણીતી છે. સુગંધા અને સંકેતે અનેક શોમાં સાથે કામ કર્યું છે અને તેેમની કેમેસ્ટ્રી દર્શકોને પણ ખૂબ પસંદ આવી છે.