આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે : મોદી

245

નવી દિલ્હી તા. ૨૦
કોરોનાની મહામારી અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર તોફાની બનીને આવી છે. પડકાર મોટો છે, સાથે મળીને પાર ઉતારવાનું છે. કોરોના વોરિયર્સ લોકોના જીવ બચાવી રહ્યા છે. દેશના હિતમાં જે પગલાં લીધા તેથી સ્થિતિ ઝડપથી સુધરશે. ઓક્સિજનની ડિમાન્ડ વધી છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર આ દિશામાં સતત ચિંતિત છે. નવા ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટ્રેન સહિતના પ્રયાસો ચાલુ છે. ફાર્મા સેક્ટરે દવાનું ઉત્પાદન વધારી દીધું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે મજબૂત ફાર્મા સેકટર છે.
હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે, કોવિડ હોસ્પિટલ બની રહી છે. વિજ્ઞાનીઓએ દિવસ રાત એક કરીને વેક્સિન બનાવી છે અને તે વિશ્વમાં સૌથી સસ્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં દેશની જનતાને કહ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું ટીકાકરણ ભારતમાં થયું, ૧૨ કરોડ ડોઝ આપી દીધા છે. ૧૮ વર્ષની વયના લોકોને રસી મુકાશે.જે વેક્સિન બનશે તેનો અડધો ભાગ રાજ્યોને મળશે. સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેક્સિન મળતી રહેશે. શ્રમિકોને વેક્સિન અપાશે. આથી શ્રમિકો હિજરત કરે નહીં. પહેલા મહામારી સામે લડવા માટે આપણી પાસે સુવિધા ન હતી, લેબ ન હતી, પીપીઇનું ઉત્પાદન ન હતું પણ ટૂંકા સમયમાં આપણે ઘણું મેળવી લીધું છે. દેશે કોરોના સામે ધૈર્યપૂર્વક લડાઈ લડી છે. જનભાગીદારીથી આપણે આ લડાઈ જીતશું.
દેશવાસીઓ આગળ આવે અને જરૂરતમંદને મદદ કરે. યુવાનો પોતાની સોસાયટીમાં અને એપાર્ટમેન્ટમાં સમિતિ બનાવીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવે. જો લોકો ગાઈડલાઈનનું પાલન કરે તો લોકડાઉનની જરૂર જ નહીં પડે. કામ વગર લોકો ઘરની બહાર નીકળે નહીં.

Previous articleઐશ્વર્યાએ મારી જિંદગીને પાટા પર ચડાવી : અભિષેક
Next articleમધ્ય પ્રદેશમાં ઓક્સિજન ખૂટતાં ૧૨ દર્દીનાં મોત, હૉસ્પિ.નો ઇન્કાર