રાણપુરમાં બપોરે ર સુધી દુકાનો ખુલ્લી રાખવા ગ્રા.પં., વેપારીઓનો નિર્ણય

453

સમગ્ર દેશ સહીત ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે તેમજ મોટા પ્રમાણમાં લોકો મોત ને ભેટી રહ્યા છે.જ્યારે બોટાદ જીલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે રાણપુર શહેર સહીત સમગ્ર રાણપુર તાલુકામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે.દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.રાણપુરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાણપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ મનહરભાઈ પંચાળાની હાજરીમાં વેપારીઓની મિટીંગ યોજાઈ હતી જેમાં વેપારીઓની હાજરીમાં ગ્રામ પંચાયત દ્રારા નક્કી કરવામાં આવેલ છે કે આજથી તારીખ-૨૨-૪-૨૦૨૧ થી લઈને ૩૦-૪-૨૦૨૧ એટલે કે ૯ દિવસ સુધી રાણપુર બપોરે ૨ વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે બપોરે ૨ વાગ્યાબાદ રાણપુર શહેરની તમામ દુકાન,લારી,ગલ્લા સહીતના વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ મિટીંગમાં વેપારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે.જ્યારે ફક્ત દુધની દુકાન સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેમજ હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રે ૭ થી ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્રારા કરવામાં આવ્યો છે.જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા એ રાણપુર શહેરના લોકોને અપીલ કરી છે.કે બપોરે ૨ વાગ્યાબાદ લોકો પોતાના ઘરની બહાર ન નિકળે અને કોરોના સંક્રમણ ને અટકાવવા પુરો સહયોગ આપે.