બંગાળની ચૂંટણીમાં ૩ સ્થળે બોંબથી હુમલા, એકનું મોત

312

(સં. સ.સે.) નવી દિલ્હી, તા. ૨૨
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા મંગળવારે રાજ્યમાં ૩ જગ્યાએ બોમ્બ વડે હુમલો થયો હતો. મતદાન પહેલા થયેલા વિસ્ફોટોના કારણે ફરી એક વખત ભયનું વાતાવરણ સર્જાયું હતું. છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું હતું તે ક્ષેત્રોમાં જ બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. વિસ્ફોટની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉત્તર ૨૪ પરગણાના ટીટાગઢ ખાતે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ક્રુડ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા બે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તે પૈકીના ૨૮ વર્ષીય એક શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઉપદ્રવીઓએ બૈરકપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ટીટાગઢમાં જ અન્ય એક સ્થળે પણ કાચા બોમ્બ ફેંક્યા હતા. આ જગ્યા ભાજપના નેતા સંતોષ જેનાના ઘરની નજીક છે. પોલીસે બુધવારે તે વિસ્તારમાંથી બે જીવીત ક્રુડ બોમ્બ જપ્ત કર્યા હતા. આ બંને ઘટના બાદ ક્ષેત્રમાં ભારે તણાવ વ્યાપ્યો હતો. ભાટાપારા ખાતે પણ મંગળવારે મોડી રાતે બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. આ ક્ષેત્ર ભાજપના સાંસદ અર્જુન સિંહનો ગઢ ગણાય છે. તેઓ પહેલા ટીએમસીના સદસ્ય હતા.

Previous articleકોરોનાની બીજી લહેર ૧૧થી ૧૫ મે વચ્ચે પીક ઉપર પહોંચી શકે છે
Next articleખુલ્લા ફાટક પરથી પસાર થઈ ચંદીગઢ-લખનઉ એક્સપ્રેસે ઘણા વાહનોના ફૂરચા ઉડ્યા, ૫ના મોત