ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થઇ શકે

818

(સં. સ.સે.) અમદાવાદ, તા. ૨૯
રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગામી ૩ દિવસ હજુપણ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. દરિયામાં ભેજનું પ્રમાણ વધતાં આ ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાં વીજળી સાથે અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાથે જ અમદાવાદમાં પણ મોડી રાત્રે વાવાઝોડાની અસર દેખાઈ હતી.
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા, રાજકોટ, જામનગર સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Previous articleઅડધા શટરે ખોલેલી દુકાનો તંત્રએ બંધ કરાવી
Next articleગુજરાતમાં પાંચ દિવસમાં રિકવરી રેટ ૫૩% વધ્યો