ઉત્તરાખંડની સરકારે આગામી ચારધામ યાત્રાને રદ કરી દીધી

270

(સં.સ. સે.) નવી દિલ્હી, તા. ૨૯
ઉત્તરાખંડ સરકારે કોવિડ મહામારી વચ્ચે આગામી ચારધામ યાત્રાને રદ્દ કરી દીધી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મીડિયાને આ જાણકારી આપી હતી. આ મામલે ગુરૂવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તીરથ સિંહે ચારધામના કપાટ પોતાના નિર્ધારિત સમયે જ ખુલશે તેમ જણાવ્યું હતું. પરંતુ માત્ર પુજારીઓ અને પુરોહિતો જ ધામોમાં પૂજા-અર્ચના કરી શકશે. યાત્રિકોને ત્યાં જવાની મંજૂરી નહીં આપવામાં આવે. દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌડના કહેવા પ્રમાણે સરકારે મે મહિનામાં શરૂ થનારી ચારધામ યાત્રાને લઈને નિર્ણય લીધો છે.
૧૭ મેના રોજ મેષ લગ્નમાં સવારે ૫ઃ૦૦ કલાકે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. ભગવાન બદ્રી વિશાલના કપાટ ૧૮ મેના રોજ પ્રાતઃ ૪ઃ૧૫ કલાકે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. ૨૯ એપ્રિલના રોજ ગાડૂ ઘડા યાત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. ૧૪ મેના રોજ શ્રી ગંગોત્રી ધામ અને શ્રી યમનોત્રી ધામના કપાટ ખોલવામાં આવશે.
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ચારધામ યાત્રા માટે ૨ કરોડ રૂપિયાની પ્રશાસનિક અને નાણાકીય સ્વીકૃતિ પ્રદાન કરી હતી. તીરથ સિંહે ચારધામ યાત્રા વ્યવસ્થા અંતર્ગત રૂદ્રપ્રયાગમાં ૧૬ નગ અને કેદારનાથ પગદંડી માર્ગ ઉપર ૯૪ નગ અસ્થાયી શૌચાલયો, મૂત્રાલયોના નિર્માણ, સમારકામ અને સફાઈ વ્યવસ્થા સંબંધી કામ માટે ૧ કરોડ ૪ લાખની પ્રશાસકીય અને નાણાકીય સ્વીકૃતિ પ્રદાન કરી હતી.

Previous articleગુજરાતમાં પાંચ દિવસમાં રિકવરી રેટ ૫૩% વધ્યો
Next articleદિવ્યાંગ પીડિતો અને સાક્ષીઓના નિવેદનોને નબળા ગણી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ