વલ્લભીપુર મોક્ષ મંદિરમાં યુવાનોની સેવાને બિરદાવતા સ્થાનિક આગેવાનો

2000

ચારોતરફ કોરોના મહામારીનો ફફડાટ ફેલાયો છે. ભાવનગર મહાનગર પાલિકામાં રાજકોટ શહેર કરતા પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. કોવિડનો નવો મ્યુટેન્ટ વધુ ઘાતક બનીને ત્રાટકતા મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે વલ્લભીપુર મોક્ષ મંદિર (સ્મશાન)માં શહેરના સેવાભાવી યુવાનો પોતાનું દૈનિક કાર્ય છોડીને સેવારત બન્યા છે.

વલ્લભીપુરનાં મોક્ષ મંદિરમાં અગાઉ કરતા વધુ મૃતદેહોની અંતેષ્ઠી થઈ રહી છે. ત્યારે દાતાઓ તરફથી વધુ લાકડાઓ મળતા સ્મશાનની એક મુશ્કેલીનો અંત આવ્યો હતો. જો કે, આ લાકડા ફાડવા માટે હાલ સ્મશાનમાં કોઈ મશીનરી ન હોય માનવશ્રમ દ્વારા જ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના યુવાનો અને સેવાભાવી નાગરિકો દ્વારા હાથોહાથ લાકડાનાં ટુકડાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાનાણી હિતેશભાઈ. ઘેલડા વલ્લભસિંહ, વિરાંગસિંહ સોલંકી, વિપુલભાઇ સોલંકી, નિકુંજસિંહ (લાલભા) પરમાર, ધર્મેન્દ્રસિંહ ઘેલડા, સંસ્કાર ચૌહાણ, કુમારપાલસિંહ રાઠોડ, કેતનભાઈ, અક્ષત, વિનુભાઈ ગોટી, માધુભાઈ ગોટી, દિનાબાપુ, હરદેવસિંહ પરમાર, મનહરસિંહ પરમાર, રજનીભાઈ દરજી, મનસુખભાઇ ખૂટ, લાલજીભાઈ ધાનાણી સહિતના નાગરિકો સેવા આપી રહ્યા છે. નિસ્વાર્થભાવની યુવાનોની આ સેવાને શહેરીજનો દિલથી બિરદાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દાતા તરફથી મોક્ષમંદિરમાં લાકડા કાપવા માટે મશીન ખરીદવા રૂપિયા ૫૦,૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું છે. જો કે હજુ મશીન માટે ધનરાશી ખૂટે છે. ત્યારે દાતાઓને અપીલ પણ કરવામાં આવી છે કે ખૂટતી ધનરાશીનું અનુદાન આપવા આગળ આવે. હાલ તો અપના હાથ જગન્નાથ કરીને યુવાનો શ્રમદાન કરી રહ્યા છે.