બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બોટાદને ૪૦ ઑક્સીજન કોન્સનટ્રેટર મશીનોનું વિતરણ

931

કોવિડ-૧૯ ની મહામારીએ છેલ્લા ૧૬ મહિનાઓથી વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના દેશો આ સતત પ્રસરતા અને બદલતા વાઈરસની વ્યાપક અસરથી ગ્રસ્ત છે. હાલ ભારતમાં પણ ખૂબ જ ગંભીર રીતે આ મહામારીનો લાખો લોકોને ચેપ લાગ્યો છે અને હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવા કટોકટીના સમયે વિદેશોમાંવસતાંભારતીયો સક્રિય રીતે ભારત દેશના લોકોની વહારે આવ્યા છે. જેમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અબુધાબીમાં બની રહેલ બીએપીએસ હિન્દુ મંદિર તરફથી ગુજરાતની મદદે ઑક્સીજન ટેન્ક, સિલીન્ડર અને કોન્સનટ્રેટર મશીન મોકલવામાં આવી રહ્યા છે. જેનાથી દર મહિને ૪૪૦ મેટ્રીક ટન જેટલો લીકવીડ ઑક્સીજનનો સપ્લાય આ અઠવાડિયાથી ગુજરાતને મળવાનો શરૂ થયો છે. ગુજરાત સરકાર તેમજ સ્થાનિક અધિકારીઓ દ્વારા તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વ્યાપક તંત્ર દ્વારા જરૂરિયાતમંદો સુધી આ ઑક્સીજનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.જેના અંતર્ગત આજે સારંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, દ્વારા બોટાદના કલેક્ટર શ્રીવિશાલ ગુપ્તા તથા અન્ય કેટલીક વિખ્યાત હૉસ્પિટલોના ડૉક્ટરોને ૪૦ જેટલા ઓક્સીજન કોન્સનટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. જેનો અર્પણવિધિ સમારંભ આજે મંદિર ખાતે યોજાયો હતો. જેમાં મંદિરના કોઠારી સંત પૂ. જ્ઞાનેશ્વર સ્વામી સહિત અન્ય વરિષ્ઠ સંતોએ આ મશીનોનું પૂજન કરી કોરોના દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના કરી હતી. કલેક્ટરશ્રીએ પોતાની ભાવોર્મિઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે બીએપીએસસંસ્થાએ ખૂબ જ કટોકટીના સમયે આ મહત્ત્વપૂર્ણ સેવા કરી છે.